Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ફેસબૂકે થાઈલેન્ડના ૧૦ લાખ લોકોને બ્લોક કરી દીધા

આ ગ્રૂપનું રાજાશાહીનો વિરોધ કરતું પ્લેટફોર્મઃ સોશિયલ મીડિયા નેટવર્ક ફેસબુકમાં આ રીતે એક સાથે લોકોને બ્લોક કરાતાં તેના વિશ્વમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા

બેંગકોક, તા. ૨૫: થાઇલેન્ડના રાજાની સામે ટીકા ટિપ્પણી કરનારા ૧૦ લાખ લોકોને એક સાથે ફેસબુકે બ્લોક કરી દેતાં ઉહાપોહ મચી ગયો છે. અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના સ્વતંત્ર માધ્યમ ગણાતા સોશિયલ મીડિયા નેટવર્ક ફેસબુકમાં આ રીતે એક સાથે લોકોને બ્લોક કરાતાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. થાઇલેન્ડમાં છેલ્લા કેટલાક સમયથી રાજાશાહી મોડેલવાળા શાસનમાં સુધારણા લાવવા યુવાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે અને ફેસબુક જેવા સોશિયલ માધ્યમ થકી લોકો પોતાની વાત પણ મૂકતા હતા.

 પ્રાપ્ત માહિતી મુજબ રોયલિસ્ટ માર્કેટપ્લેસ નામનું એક ગ્રૂપ ભોગ બન્યું છે તેને ગત એપ્રિલ માસમાં રાજાશાહીના ટિકાકાર ગણાતા પવિન ચાચાવલપોંગપુને સર્જ્યું હતું. આ ગ્રુપને બ્લોક કરતા મેસેજમાં લખવામાં આવ્યું છે કે ડિજિટલ ઇકોનોમી સમાજ મંત્રાલયના કાયદેસરની ભલામણથી થાઇલેન્ડમાં આ ગ્રૂપને પ્રતિબંધિત કરવામાં આવે છે. સરકાર ફેસબુક પર કાયદાકિય પગલાં ભરવાની તૈયારી કરી રહ્યું હોવાથી આ પગલું ભર્યુ હોવાનો ફેસબુકે બચાવ કર્યો છે.

 થાઇલેન્ડ સરકારે પણ ફેસબુક પર સરકારની વાત નહીં માનવાનો આક્ષેપ પણ કર્યો હતો. ૧૦ ઓગસ્ટના રોજ રાજાશાહી અને સરકાર વિરુધની વાંધાજનક સામગ્રી હટાવવા માટે થાઇલેન્ડની અદાલતે આદેશ આપીને ૧૫ દિવસમાં પાલન કરવા જણાવાયું હતું. જો ફેસબુક એમ ના કરે તો થાઇલેન્ડના કમ્પ્યૂટર અપરાધ કાયદા હેઠળ કાર્યવાહી થવાની હતી જેમાં આર્થિક દંડની પણ જોગવાઇ છે. થાઇલેન્ડના કાયદા અનુસાર રાજાનો તિરસ્કાર કે વિરોધ કરવો રાજદ્રોહનો કેસ બને છે અને તેના માટે ૧૫ વર્ષ સુધીની જેલની સજા કાપવી પડે છે. જાપાન રહેતા આ ગ્રૂપના સંચાલકે આર્મીના નિયંત્રણવાળી સરકારના દબાણ હેઠળ ફેસબુકે પગલું ભર્યુ હોવાનો આક્ષેપ કર્યો હતો. પોતાનું ગ્રુપ લોકશાહીકરણઁની પ્રક્રિયાનો હિસ્સો અને અભિવ્યકિતનું માધ્યમ હોવાની પ્રતિક્રિયા સમાચાર એજન્સીને આપી છે. આ ગ્રુપ બ્લોક થયા પછી નવું ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું તેના ૪.૫૫ લાખ જેટલા લોકો જોડાયા હતા.

(10:46 pm IST)