Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

૧૪ સપ્ટેમ્બરથી ૧ ઓકટોબર સુધી ચાલી શકે છે સંસદનું ચોમાસુ સત્ર

ચેપ અટકાવવા માટે લોકસભા અને રાજયસભામાં બેઠક વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે

નવી દિલ્હી,તા.૨૬ : સંસદનું ચોમાસું સત્ર ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટ સમિતિએ ૧૪ સપ્ટેમ્બરથી ૧ ઓકટોબર સુધી ચોમાસું સત્ર યોજવાની ભલામણ કરી છે. ચોમાસાની સિઝનમાં આ વખતે કોરોના વાયરસના કારણે મોડાથી શરૂ થતાં આ સત્રમાં ઘણા ફેરફારો જોઇ શકાય છે. ચેપ અટકાવવા માટે લોકસભા અને રાજયસભામાં બેઠક વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. યોગ્ય અંતરને પગલે, સભ્યોને બેસવા માટે બંને ચેમ્બર અને ગેલેરીઓનો ઉપયોગ કરવામાં આવશે.

રાજયસભા સચિવાલયના જણાવ્યા મુજબ, સત્ર દરમિયાન ઉપલા ગૃહના સભ્યો બંને ચેમ્બર અને ગેલેરીઓમાં બેસશે. ભારતીય સંસદના ઇતિહાસમાં પહેલીવાર આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે જેમાં ૬૦ સભ્યો ચેમ્બરમાં અને ૫૧ સભ્યો રાજયસભાની ગેલેરીઓમાં બેસશે. આ સિવાય બાકીના ૧૩૨ સભ્યો લોકસભા ચેમ્બરમાં બેસશે. લોકસભા સચિવાલય પણ સભ્યોને બેસવાની સમાન વ્યવસ્થા કરી રહ્યું છે.

તે જ સમયે, રાજયસભા ચેમ્બરની અંદર વડા પ્રધાન, ગૃહના નેતા, વિપક્ષી નેતા અને અન્ય પક્ષોના નેતાઓ માટે બેઠકો ચિહ્રિનત કરવામાં આવશે. ભૂતપૂર્વ વડા પ્રધાનો-મનમોહન સિંઘ અને એચ.ડી.દેવ ગૌડા તેમ જ કેન્દ્રીય પ્રધાનો અને રાજયસભાના સભ્યો- રામ વિલાસ પાસવાન અને રામદાસ આઠવલે પણ ગૃહના ચેમ્બરમાં બેઠકો મેળવશે. અન્ય મંત્રીઓ શાસક સભ્યો પણ નિયત બેઠકો પર બેસશે.

(11:06 am IST)