Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

કોંગ્રેસનું 'મહાભારત' હજુય બાકી! સિબ્બલના ટ્વીટથી સંકટના એંધાણ : 'પદ કરતા દેશ મોટો'

કોંગ્રેસમાં પ્રમુખપદને લઈને ડખા હજુ પણ યથાવત્: અગાઉ રાહુલની ભાજપ સાથે મિલીભગતવાળી કથિત ટિપ્પણીને લઈને સિબલે વિરોધ કરતી ટ્વીટ કરી હતી

નવી દિલ્હી, તા. ૨૫: કોંગ્રેસનો આંતરકલહ હજુ જારી રહ્યો છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની સોમવારે થયેલી બેઠકમાં પાર્ટીના ૨૩ નેતાઓ દ્વારા નેતૃત્વમાં પરિવર્તનની માગને લઈને લખેલો પત્ર છવાયેલો રહ્યો. સોનિયા ગાંધી ફરીથી પાર્ટીના વચગાળાના અધ્યક્ષ પસંદ થયા બાદ પત્ર લખનારા નેતાઓએ આગળની રણનીતિને લઈને બેઠક કરી હતી. દરમિયાન, મંગળવારે કપિલ સિબલે એવી ટ્વીટ કરી કે જેનાથી અટકળો લગાવવાની શરૂ થઈ ગઈ છે. પાર્ટીમાંથી સસ્પેન્ડ નેતા સંજય ઝાએ આને અંતની શરૂઆત જણાવી છે. કપિલ સિબલે કહ્યું હતું, આ એક પદ વિશે નથી. આ મારા દેશ વિશે છે જે સૌથી વધારે મહત્વનો છે. બીજી તરફ, પાર્ટીમાંથી સસ્પેન્ડ નેતા સંજય ઝાએ ટ્વીટ કરી લખ્યું, આ તો અંતની શરૂઆત છે. અગાઉ રાહુલ ગાંધીની ભાજપ સાથે મિલીભગતવાળી કથિત ટિપ્પણીને લઈને સિબલે વિરોધ વ્યક્ત કરતાં ટ્વીટ કરી હતી. જોકે રાહુલ સાથે વાત થવા પર તેમણે આ ટ્વીટ પાછી ખેંચી લીધી હતી. કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં રાહુલ ગાંધીએ પત્ર લખનાર નેતાઓ પર ભાજપ સંગ મિલીભગતનો આરોપ લગાવ્યો હતો. જેની સામે કપિલ સિબ્બલ અને ગુલામ નબી આઝાદે વળતો પ્રહાર કર્યો હતો. સિબલે કહ્યું હતું કે મેં છેલ્લા ૩૦ વર્ષોમાં ક્યારેય પણ કોઈ મુદ્દે ભાજપના પક્ષમાં નિવેદન આપ્યું નથી. તેમ છતાં અમે ભાજપ સાથે હોઈ શકીએ છીએ. વરિષ્ઠ નેતાની ટ્વીટ બાદ રાહુલે તેમને વાત કરી જે બાદ તેમણે ટ્વીટને હટાવી લીધી હતી. ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે જો રાહુલ ગાંધીનું ભાજપ સાથે મિલીભગતવાળું નિવેદન સાબિત થઈ જાય છે તો તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે.

(12:00 am IST)