Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

તહેવારોમાં પણ માંગ નહિ વધે : ગરીબ વધુ ગરીબ બનશે : ઇકોનોમી હજુય સુસ્ત

ભારતીય રિઝર્વ બેંકનો ચોંકાવનારો રિપોર્ટ : મહામારીનો વિશ્વ અર્થવ્યવસ્થા પર ઉંડો પ્રભાવ પડશે : ભવિષ્ય એ બાબત પર નિર્ભર છે કે મહામારી કેટલી ઝડપથી ફેલાય છે, કયાં સુધી રહે છે અને રસીની શોધ કયાં સુધીમાં થાય છે : મહામારીમાંથી બહાર આવ્યા બાદ સરકારે વ્યાપક સુધારાઓ કરવા પડશે : લોકોની ખર્ચ શકિત વધે તેવા પ્રયાસો પણ કરવા પડશે

નવી દિલ્હી તા. ૨૬ : રિઝર્વ બેંક જણાવ્યું છે કે, અર્થવ્યવસ્થામાં ડીમાન્ડને પાટા ઉપર આવવામાં લાંબો સમય લાગશે અને તેની કોવિડ-૧૯ના પહેલાના સ્તર પર પહોંચવાની બાબત સરકારી ખર્ચ પર નિર્ભર કરશે. રિઝર્વ બેંકે જણાવ્યું છે કે, તહેવારોની સિઝનમાં પણ ડીમાન્ડ નહિ વધે અને ગરીબ વધુ ગરીબ બનતો જશે. અર્થવ્યવસ્થાને હજુ વધુ આંચકા લાગશે.

રિઝર્વ બેંકે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, ભારે સતત વૃધ્ધિના માર્ગ પર પાછા ફરવા માટે ઝડપથી વધુ વ્યાપક સુધારાની જરૂર છે. અર્થતંત્રને દોડતા થવામાં લાંબો સમય લાગશે.

રિપોર્ટમાં કહેવાયું છે કે, ગરીબો ઉપર સૌથી વધુ માર પડયો છે. ગરીબ વધુ ગરીબ બનવાનો છે. તહેવારોમાં પણ ગ્રાહકોની માંગ વધે તેવી શકયતા દેખાતી નથી. અર્થવ્યવસ્થામાં પરિવહન, સેવા, હોટલ, મનોરંજન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિને માઠી અસર થઇ છે. આ ક્ષેત્રોનો જીડીપીનો હિસ્સો ૬૦% છે. રિઝર્વ બેંકનું કહેવું જ્યાં સુધી ખર્ચ યોગ્ય આવક નહિ વધે અને લોકો મનમરઝીથી ખર્ચ કરવાની સ્થિતિમાં નહિ આવે ત્યાં સુધી આવી સ્થિતિ રહેશે.

રિઝર્વ બેંકે કહ્યું છે કે, સ્થિતિ ઐતિહાસિક છે. દેશમાં અનેક ભાગોમાં લોકડાઉનમાં છૂટછાટ બાદ મે અને જૂનમાં જે તેજી જેવા મળી હતી તે જુલાઇ અને ઓગસ્ટમાં ધીમી પડી છે કારણ કે કેટલાક ક્ષેત્રોમાં લોકડાઉન લગાવવું અને તેનો કડકાઇથી પાલન કરવાનું રહ્યું છે. જે દર્શાવે છે કે આર્થિક ગતિવિધિમાં ઘડાકો બીજા કવાર્ટરમાં પણ રહેશે.

રિઝર્વ બેંકે કહ્યું છે કે મહામારીની વિશ્વ અર્થવ્યવસ્થા પર ઉંડી અસર પડશે. ભવિષ્ય એ બાબત પર નિર્ભર છે કે કોરોના મહામારી કેટલી ઝડપથી ફેલાય છે અને તે કયાં સુધી રહેશે એટલું જ નહિ રસીની શોધ કયારે થાય છે.

રિઝર્વ બેંકે કહ્યું છે કે મહામારી બાદ ઝડપથી સુધારા કરવા પડશે. ઉત્પાદન બજારથી લઇને નાણાકીય બજાર, કાનુની માળખા અને આંતરાષ્ટ્રીય સ્પર્ધાના મોરચે વ્યાપક સુધારાની જરૂર પડશે તો જ વૃધ્ધિ દર આગળ વધશે.

(10:15 am IST)