Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ઓનલાઇન પેમેન્ટ થયું મોંઘુઃ બેન્કો ગ્રાહકો પાસેથી વસૂલી રહી છે વધુ ચાર્જ

બેન્ક પોતાની મરજી મુજબ નિયમોની વ્યાખ્યા કરી રહી છે

મુંબઇ, તા.૨૬: કોરોના મહામારીના સંકટકાળમાં સંક્રમણથી બચવા માટે હાલ મોટાભાગના લોકો ડિજિટલ પેમેન્ટ એટલે કે ઓનલાઇન પેમેન્ટ કરી રહ્યા છે. પરંતુ બેન્કો આ સંકટકાળમાં પણ પણ ગ્રાહકો પાસેથી ચાર્જના નામે વધારે રૂપિયા પડાવવાનો પેંતરો રચી રહી છે. જો તમે મહિનામાં ૨૦થી વધુ વખત યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) મારફતે ઓનલાઇન પેમેન્ટ કરી રહ્યા છે તો તમારે વધારે ચાર્જ ચૂકવવા તૈયાર રહેવુ પડશે. લગભગ મોટાભાગની ખાનગી બેન્કોએ નિર્ધારિત સંખ્યા કરતા વધુ ઓનલાઇન પેમેન્ટ ઉપર વધારાનો ચાર્જ વસૂલવાની શરૂઆત કરી દીધી છે અને ૨.૫થી ૫ રૂપિયા સુધી વધારાનું ચાર્જ વસૂલી રહી છે.

અલબત સરકારે સ્પષ્ટ કહ્યુ છે કે યુપીઆઇ મારફતે પેમેન્ટ નિઃશુલ્ક રહેશે પરંતુ બેન્કો એવો તર્ક રજૂ કરી રહ્યા છે કે સિસ્ટમ પર બિનઆવશ્યક પેમેન્ટના લોડથી બચવા માટે આ ચાર્જ વસૂલવાની વ્યવસ્થા કરાઇ છે.

આઇઆઇટી, મુંબઇના આશિષ દાસની એક રિપોર્ટ મુજબ બેન્ક પોતાની મરજી મુજબ નિયમોની વ્યાખ્યા કરી રહી છે. જયારે પેમેન્ટ ફ્રી છે અને ટ્રાન્સફર પર ચાર્જ વસૂલી શકાય છે. રિપોર્ટમાં બેન્કોની વિસંગતતાઓને ઉજાગર કરતા જણાવ્યુ છે કે, સરકાર અને RBIએ બેન્કોને કોમ્પન્સેટ કરવાની વ્યવસ્થા નાબૂદ કરવી જોઇએ. ખાનગી બેન્કોએ એવા સમયે યુપીઆઇ પર ચાર્જ વસૂલવાનો નિર્ણયલીધો છે જયારે તેનો ઉપયોગ ૮ ટકાના માસિક દરે વધી રહ્યો છે. એપ્રિલમાં યુપીઆઇ મારફતે ૮૦ કરોડ ટ્રાન્ઝેકશન થયા હતા જયારે ઓગસ્ટમાં તે ૧૬૦ કરોડે પહોંચવાનો અંદાજ છે.         

ઓનલાઇન પેમેન્ટમાં ઝડપી વૃદ્ઘિનું કારણ ગુગલ-પે, ફોન-પે, પેટીએમ જેવી ફિનટેક કંપનીઓ દ્વારા આપવામાં આવતા કેશ-બેક સહિતના વિવિધ લાભો છે. આ કંપનીઓ યુઝર્સને ઘણા પ્રકારના રિવોર્ડ અને બેનિફિટ્સ આપી રહી છે. બેન્કોનું કહેવુ છે કે ઘણા ખાતાધારકો રૂપિયા મોકલીને પરત મંગાવી રહ્યા છે અને તેનાથી સિસ્ટમ પર લોડ વધી રહ્યુ છે.

(10:16 am IST)