Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સોનિયા-રાહુલે રિસાયેલા 'આઝાદ'ને કર્યો ફોન

ગાંધી પરિવારે શરૂ કરી ડેમેજ કંટ્રોલની શરૂઆત

નવી દિલ્હી, તા.૨૬: કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં હંગામા બાદ ગાંધી પરિવારે હવે ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરી દીધી છે. ચિઠ્ઠી લખનાર અસંતુષ્ટ જૂથની આગેવાની કરનાર ગુલામ નબી આઝાદને મનાવવા માટે સોનિયા ગાંધી પોતે આગળ આવ્યા છે. બેઠકના તરત બાદ જ રાહુલ ગાંધીએ ગુલામ નબી આઝાદ સાથે વાત કરી અને ગળી મળીને મનદુઃખ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.

સમાચાર એજન્સીના રિપોર્ટ અનુસાર, સોમવારે સાંજે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુલામ નબી આઝાદ સાથે ફોન પર વાત કરી હતી. જો કે, એ ખબર નથી પડી કે બંને નેતાઓએ કયા મુદ્દે વાતચીત કરી હતી. પણ આ ફોન કોલના ટાઈમિંગને લઈ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ગાંધી પરિવાર કોઈપણ કિંમત પર પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને મનાવવા ઈચ્છે છે.

બેઠક દરમિયાન કોંગ્રેસનાં અનેક સભ્યોએ પત્ર લખનાર નેતાઓને ભાજપાના સમર્થક ગણાવ્યા હતા. કહેવામાં આવે છે કે, આઝાદ આ આરોપોથી દુઃખી છે અને તેણે આરોપોને પાયાવિહોણા ગણાવીને રાજીનામાની ઓફર કરી હતી. પત્ર લખનાર અન્ય નેતાઓએ પણ આ આરોપોનું ખંડન કર્યું હતું.

ગુલામ નબી આઝાદ રાજયસભામાં વિપક્ષના નેતાની સાથે સંસદમાં કોંગ્રેસનો દમદાર આવાજ છે. આ પહેલાં તે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી પણ રહી ચૂકયા છે. એક મહિનાની અંદર જ સંસદનું મોનસુન સત્ર શરૂ થવાનું છે. આવી સ્થિતિમાં કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ એ નહીં ઈચ્છે કે પાર્ટીની એકતાને કોઈ ખતરો ઉભો થાય કે સંસદમાં તેમનો અવાજ ઠંડો પડી જાય.

(10:17 am IST)