Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

જૂની મિલકત પર પાછલી મુદ્દતથી સ્ટેમ્પ ડયૂટી લાદી શકાય નહિઃ મુંબઈ હાઈકોર્ટ

પ્રોપર્ટીને લગતા જૂના દસ્તાવેજો માત્ર તેનો ઇતિહાસ નોંધવા પૂરતા હોય છેઃ તેમનો ઉદેશ તે પ્રોપર્ટીનું ફરીથી વેચાણ કરવાનો હોતો નથી

મુંબઈ, તા.૨૬: મુંબઈ મહાનગર વિસ્તારમાં જૂની મિલ્કતો ખરીદનારાઓને ભારે રાહત આપનારા એક ચુકાદામાં મુંબઈ હાઈ કોર્ટે કહ્યું છે કે જૂની પ્રોપર્ટીનું ફરીથી વેચાણ થાય ત્યારે મૂળ દસ્તાવેજ પર પૂરતી ડયૂટી ભરાઈ નથી એમ કહીને ખરીદદાર પાસે તેના પર સ્ટેમ્પ ડયૂટી ભરવાની માગણી કરવી ગેરકાયદે છે.

લાજવંતી ગોધવાની અને અન્ય વિ. વિજય જિન્દાલના કેસમાં હાઈ કોર્ટે કહ્યું છે કે પ્રોપર્ટીને લગતા જૂના દસ્તાવેજો માત્ર તેનો ઇતિહાસ નોંધવા પૂરતા હોય છે; તેમનો ઉદ્દેશ તે પ્રોપર્ટીનું ફરીથી વેચાણ કરવાનો હોતો નથી. જસ્ટિસ ગૌતમ પટેલે કહ્યું કે સ્ટેમ્પ ડયૂટી હાલના સોદાના દસ્તાવેજ પર ભરવાની હોય છે, દાયકાઓ અગાઉ થયેલા સોદા ઉપર કે પ્રોપર્ટીનો ઇતિહાસ દર્શાવતા દસ્તાવેજ પર નહીં.'

મુંબઈના નેપિયનસી રોડના પોશ વિસ્તારમાં તેહમી હાઈટ્સ કો-ઓપ. હા. સો.માં આવેલા ૩૩૦૦ ચો.ફૂ.ના ફ્લેટના પુનર્વેચાણને લગતી અરજી વિષે ચુકાદો આપતા હાઈ કોર્ટે ઉપયોરકત નિરીક્ષણો કર્યાં' હતાં. લાજવંતી રંધવા નામની મહિલાને વારસામાં મળેલો આ ફ્લેટ મૂળ ૧૯૭૯માં ખરીદાયો હતો અને તે વખતે રૂ. ૧૦ના સ્ટેમ્પ પેપર પર તેનું એગ્રીમેન્ટ થયું હતું, જેને રજિસ્ટર કરાયું ન હતું. વિજય જિંદાલે આ ફ્લેટ ૨૦૧૮માં એક લીલામમાં ખરીદ્યો હતો અને તેના વેચાણખતના રજિસ્ટ્રેશન માટે સબ-રજિસ્ટ્રારની ઓફિસનો સંપર્ક કર્યો હતો.'

સબ-રજિસ્ટ્રારે વેચાણખત રજિસ્ટર કરવાનો એમ કહીને ઇન્કાર કર્યો હતો કે તેની સાથે જોડવામાં આવેલા જૂનો દસ્તાવેજ પર પૂરી ડયૂટી ભરાઈ ન હતી અને તે રજિસ્ટર પણ થયો ન હતો. સબ-રજિસ્ટ્રારે જૂના દસ્તાવેજ પર સ્ટેમ્પ ડયૂટીની માગણી કરી હતી. મિલ્કત કોર્ટ રિસીવર દ્વારા યોજાયેલા લીલામમાં ખરીદાઈ હોવાથી ખરીદદારે કોર્ટમાં અરજી કરી હતી કે ફ્લેટ વેચનારાઓને જૂના દસ્તાવેજોમાંથી ઊભી થયેલી જવાબદારીનો ખર્ચ ઉઠાવવાનો આદેશ આપો.

અદાલતે તેના ચુકાદામાં આશ્ચર્ય વ્યકત કર્યું હતું કે કોઈ સ્ટેમ્પ સત્તાધીશ જૂના સમયમાં થયેલા વ્યવહારો પર અત્યારે ડયૂટી કેવી રીતે લાદી શકે? અને એ પણ એવા વ્યવહારો જે તે સમયે કાયદેસર પૂર્ણ કરી દેવાયા હોય? અદાલતે એમ પણ કહ્યું કે જે સમયે અમુક દસ્તાવેજો પર સ્ટેમ્પ ડયૂટી ભરવાની જરૂર ન હતી તે વખતે થયેલા દસ્તાવેજો પર હાલના દરે ડયૂટી વસૂલ કરી શકાય નહિ. આવા દસ્તાવેજોને 'સ્ટેમ્પ વગર' ના કે 'અપૂરતી સ્ટેમ્પ ધરાવતા' પણ કહી શકાય નહિ. આનો અર્થ એ કે જૂની મિલ્કતનો દસ્તાવેજ અનરજિસ્ટર્ડ હોય કે તેના પર ડયૂટી ન ભરાઈ હોય અથવા અપૂરતી ડયૂટી ભરાઈ હોય તો પણ સત્તાવાળાઓ તેના પુનર્વેચાણનો દસ્તાવેજ રજિસ્ટર કરવાનો ઇન્કાર કરી શકે નહિ. અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ૧૦-૧૨-૧૯૮૫ અગાઉ થયેલા વેચાણ પર સ્ટેમ્પ ડયૂટી માત્ર પાંચ રૂપિયા હતી.

(10:18 am IST)