Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

૩૧મીએ સમાપ્ત થશે મોરેટોરિયમ : મધ્યમ વર્ગની મુશ્કેલીમાં વધારો થશે

કોરોના સંકટને કારણે પગારમાં કાપ અને નોકરી ગુમાવનાર મધ્યમ વર્ગની હાલત કફોડી બનશે : વેપારીઓ પણ હાલ હપ્તા ભરવાની સ્થિતિમાં નથી : સરકારે હજુ ત્રણ મહિના રાહત લંબાવાની જરૂર છે : જો કે બેંકો રાજી નથી : બેંકોની દલિલ... મોરેટોરિયમથી એનપીએમાં વધારો થશે

નવી દિલ્હી તા. ૨૬ : રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલ લોન મોરેટોરીયમની મુદ્દત ૩૧મી ઓગસ્ટે સમાપ્ત થઇ રહી છે તો કોરોના સંકટને કારણે પગારમાં કાપ અને નોકરી જવાથી મધ્યમ વર્ગની નાણાકીય સ્થિતિ હજુય હાલક-ડોલક છે. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે એવામાં એકવાર ફરીથી બધી લોનના હપ્તા શરૂ થવાથી આમ આદમી પર ચોતરફા દબાણ આવશે. જેની અર્થવ્યવસ્થા પર પણ પ્રતિકૂળ અસર પડશે.

બેંકીંગ નિષ્ણાંતોનું કહેવું છે કે રિઝર્વ બેંકે આપેલ મોરેટોરીયમથી સામાન્ય લોકોને થોડી રાહત થઇ હતી પરંતુ તેઓ ખર્ચ કરી શકયા ન હોતા. હવે ફરીથી હપ્તા શરૂ કરવા પડશે તો સંકટ ઉભું થશે. કારણ કે પગારમાં કાપથી આવક ઘટી છે. હપ્તા ચુકવ્યા પછી ઘર ચલાવવાનું મુશ્કેલ બનશે તો જેમની નોકરી ગઇ છે તેઓ હપ્તા ભરી નહિ શકે. તેવામાં બેંકોનું એનપીએ વધશે. એવામાં આવા બધા કારણો નાણાકીય બજારથી લઇને અર્થવ્યવસ્થામાં સંકટ ઉભું કરવાનું કામ કરશે.

સૂત્રોનું કહેવું છે કે મોરેટોરીયમ સમાપ્ત થવાની સૌથી મોટી અસર આમ આદમી કે મધ્યમ વર્ગ પર પડશે. કોરોનાને કારણે હજુ પણ એરલાઇન્સ, પર્યટન, હોટલ, મોલ, રિયલ એસ્ટેટ વગેરે ઠપ્પ છે. એવામાં આ સેકટરમાં લાખો લોકોએ નોકરી ગુમાવી છે તો બીજા સેકટરમાં લોકોને છટણી અને પગાર કાપનો સામનો કરવો પડયો છે એવામાં હપ્તાનો બોજો પડવાથી આમ આદમી હેરાન-પરેશાન થઇ જશે.

સૂત્રોના કહેવા મુજબ બેંકોમાં ફસાયેલા નાણા ૮.૫%થી વધીને ૧૪.૭% સુધી જઇ શકે છે જે ૨૦ વર્ષની ટોચ હશે. કોરોનાને કારણે હપ્તા નહિ ચુકવનારામાં ઘર અને કાર લોનવાળા હશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરેટોરીયમ બાદ આમ આદમીની સાથે વેપારીને મુશ્કેલી પડશે. હજુ કામધંધા પહેલા જેવી સ્થિતિમાં રહ્યા નથી. વેપારીઓ માંગ નહિ હોવાથી નફો મેળવી શકતા નથી તેથી તેઓ હપ્તા પણ ભરી નહિ શકે. સૂત્રો કહે છે કે હજુ ત્રણ મહિના મોરેટોરીયમ લંબાવાની જરૂર છે. બેંકો આ માટે રાજી નથી.

 

(11:05 am IST)