Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

વરસાદ વચ્ચે મોઢેરા સૂર્ય મંદિરનો અદ્ભૂત નજારો

PM મોદીએ જારી કર્યો મોઢેરાના સૂર્ય મંદિરનો વીડિયો... કહ્યું વરસાદમાં દેખાય છે શાનદાર

નવી દિલ્હી તા. ૨૬ : ગુજરાતમાં સતત વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર છે. ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. આ બધી તકલીફો વચ્ચે થોડી રાહત મળે તેવો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યો છે. વરસાદ વચ્ચે મોઢેરાના સૂર્ય મંદિરનો એક નજારો આ વિડીયોમાં જોવા મળે છે.

મોઢેરાના સૂર્ય મંદિરનો વિડીયો ટ્વીટ કરતા વડાપ્રધાને લખ્યું છે કે, મોઢેરાનું પ્રતિષ્ઠીત સૂર્ય મંદિર વરસાદના દિવસોમાં શાનદાર દેખાઇ રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા થોડા સમયથી ભારે વરસાદ પડી રહ્યો છે. ડેમો અને જળાશયો છલોછલ થઇ ગયા છે. કચ્છ પણ પાણી... પાણી... થઇ ગયું છે. અનેક ડેમોના દરવાજા ખોલવામાં આવતા અનેક ગામો પાણી પાણી થઇ ગયા છે.

(11:08 am IST)