Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

નીરવ મોદી કેસઃ પંજાબ બેંકે પહેલા હપ્તામાં કરી ૨૪.૩૩ કરોડની વસૂલી

કોર્પોરેટ છેતરપિંડી મામલે વિશ્વ સમક્ષ ભારતને મળી મોટી સફળતાઃ હાલમાં UKની જેલમાં છે નીરવ મોદી

નવી દિલ્હી,તા. ૨૬: પંજાબ નેશનલ બેંકે કોર્પોરેટ બાબતોના મંત્રાલયને અહેવાલ આપ્યો છે કે, તેને નીરવ મોદી કેસમાં પહેલા હપ્તા તરીકે ૩૨.૫ લાખ ડોલર એટલે કે આશરે ૨૪.૩૩ કરોડ રૂપિયા મળ્યા છે. રિકવરીનો પહેલો હપ્તો મળવો એ મોદી સરકાર માટે પણ મોટી ઉપલબ્ધી કહી શકાય. કોઈ કોર્પોરેટ છેતરપિંડી મામલે વિશ્વ સમક્ષ ભારતને આ મોટી સફળતા મળી છે. US Chapter 11 Trusteeને સંપ‌તિ વેચીને ૧.૧૦ કરોડ ડોલર એટલે કે આશરે ૮૨.૬૬ કરોડ રૂપિયા મેળવ્યા છે, જે પીએનબી સહિતના અન્ય ઘણા લેણદારોને આપવાના છે.

મંત્રાલયે એમ પણ કહ્યું છે કે, નીરવ મોદી અને મેહુલ ચોકસી દ્વારા નિયંત્રણ હેઠળની તે વસ્તુઓ અથવા સંપત્ત્િ।ઓમાંથી પૈસા વસૂલ કરવા પણ પગલાં લીધાં છે. નોંધનીય છે કે, ૨૦૧૮માં પંજાબ નેશનલ બેંકે કોર્પોરેટ અફેર્સ મંત્રાલયને માહિતી આપી હતી કે નીરવ મોદી દ્વારા પ્રમોટ કરાયેલી ત્રણ કંપનીઓએ ચેપ્ટર ૧૧ના નાદારી સંરક્ષણ માટે ન્યુ યોર્કમાં અરજી કરી છે. આ ત્રણ કંપનીઓ ફાયરસ્ટાર ડાયમંડ, એ જાફી અને ફેન્ટેસી છે. પીએનબીએ કોર્પોરેટ બાબતોના મંત્રાલયને એ પણ વિનંતી કરી હતી કે તેઓ દેણદાર સંપત્ત્િ।માં પોતાના દાવાઓ માટે આ કાર્યવાહીમાં ભાગ લે.

ઈન્ટરપોલ દ્વારા પંજાબ નેશનલ બેંક (પીએનબી) છેતરપિંડી કેસના મુખ્ય આરોપી નીરવ મોદીની પત્ની એમી મોદી સામે મની લોન્ડરિંગના આરોપો સહિત વૈશ્વિક ધરપકડનું વોરંટ જાહેર કરાયું છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપતા કહ્યું કે, એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)ની વિનંતી પર, ઈન્ટરપોલને 'રેટ નોટિસ' જારી કરી છે. એક ફરાર વિરુદ્ઘ આવી નોટિસ ફટકાર્યા પછી, ઈન્ટરપોલ તેના ૧૯૨ સભ્ય દેશો તે વ્યકિત જયારે તેમના દેશોમાં પ્રવેશે ત્યારે તેની ધરપકડ અથવા તો અટકાયત કરે છે. આ પ્રક્રિયા પછી પ્રત્યાર્પણ અથવા દેશનિકાલની કાર્યવાહી શરૂ થઈ શકે છે.

એવું માનવામાં આવે છે કે એમી મોદી વર્ષ ૨૦૧૮ માં બેંક ફ્રોડના કથિત કેસ સામે આવ્યા પછી નીરવ મોદીની પત્નીએ તરત જ દેશ છોડ્યો હતો. ઈડીએ એમી મોદી અને તેના પતિ નીરવ મોદી ઉપરાંત તેમના સબંધી મેહુલ ચોકસી અને અન્યો પર મની લોન્ડરિંગ અધિનિયમ (પીએમએલએ) હેઠળ આરોપ લગાવ્યા છે. માર્ચ ૨૦૧૯માં લંડનમાં ધરપકડ થયા બાદ નીરવ મોદી (૪૯) હાલમાં યુકેની જેલમાં છે. આ વર્ષની શરૂઆતમાં, મુંબઇની એક કોર્ટે તેને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કર્યો હતો અને તેની સંપત્ત્િ। જપ્ત કરવા આદેશ આપ્યો હતો. ઇડીએ નીરવ મોદીની લગભગ ૩૨૯ કરોડ રૂપિયાની સંપત્ત્િ। જપ્ત કરી લીધી છે. મુંબઈની પીએનબી શાખામાં બે અબજ ડોલરથી વધુની છેતરપિંડી કરવાના આરોપમાં ઇડી નીરવ મોદી, ચોકસી અને અન્યની તપાસ કરી રહી છે.

(11:37 am IST)