Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ટ્રાન્સપોર્ટેશન બિઝનેસ પર 'આકાશથી વરસી આફત'

મુંબઇ-અમદાવાદ રૂટ પર દક્ષિણ ગુજરાતમાં અનેક જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ : રાજયભરમાં શાકભાજીની આવક પર અસર થઇ : રાજયભરમાં ધોરીમાર્ગોને ભારે વરસાદ અને પૂરની સ્થિતિના કારણે નુકસાન : માલના પરિવહનની ઝડપ ઘટી ગઇ

નવી દિલ્હી,તા. ૨૬: ગુજરાતમાં સતત ભારે વરસાદના કારણે માલસામાનની હેરફેર પર મોટી અસર થવાની શરૂ થઇ ગઇ છે. ટ્રાન્સપોર્ટરોના મતે મુંબઇથી અમદાવાદ વચ્ચેના પરિવહનમાં એક દિવસ જેટલો સમય વધી ગયો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સાથેના માલ પરિવહન પર મોટી અસર થઇ છે અને ટ્રાન્સપોર્ટરોને પાંચથી સાત ટકા નુકસાન થઇ રહ્યું છે.

અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનની ટોલ કમિટીના ચેરમેન નિમેષ પટેલેજણાવ્યું હતું કે, 'રાજયભરમાં ભારે વરસાદના કારણે લાંબા અંતરના ટ્રાન્સપોર્ટેશનમાં સમય વધી ગયો છે. મુંબઇ-અમદાવાદ રૂટ પર દક્ષિણ ગુજરાતમાં અનેક જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે અને તેના કારણે માલના પરિવહનની ઝડપ ઘટી ગઇ છે. અનેક કોમોડિટીની ઉપલબ્ધી પણ ઘટી છે અને કેટલાક બુકિંગ પણ કેન્સલ થઇ રહ્યા છે. ટ્રાફિક અને તૂટેલા રસ્તાના કારણે ટ્રાન્સપોર્ટરોને પાંચથી સાત ટકાનું નુકસાન થઇ રહ્યું છે.'

અંદાજ મુજબ ગુજરાતમાં લગભગ ૫૦,૦૦૦ જેટલા નાના-મોટા ટ્રાન્સપોર્ટરો છે અને ૪.૫૦ લાખ જેટલા કોમર્શિયલ વાહનો રાજયમાં માલના પરિવહનના બિઝનેસમાં જોડાયેલા છે.

ટ્રાન્સપોર્ટરોએ જણાવ્યું હતું કે રાજયભરમાં શાકભાજીની આવક પર અસર થઇ છે અને મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રથી પણ જે કૃષિ ઉત્પાદનો ગુજરાત આવે છે તેની ઉપલબ્ધી ઘટી છે. શાકભાજીની આવક ઘટવાથી અમદાવાદમાં શાકભાજીના ભાવમાં તીવ્ર વધારો થયો છે અને કેટલાક શાકભાજીના ભાવ બમણાં થઇ ગયા છે.

એસોસિયેશનના ટ્રેઝરર પત્રેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, 'ટ્રાન્સપોર્ટ ઉઘોગ પહેલેથી જ ડિઝલના ભાવ વધારા, ઊંચા ટોલ ટેકસ અને કોરોના લોકડાઉન બાદની નીચી માંગ સામે ઝઝૂમી રહ્યો છે. અનેક ટ્રાન્સપોર્ટરો માટે લોન મોરેટોરિયમ પૂરું થયા બાદ ટ્રકની લોનના હપ્તા ભરવા પણ મુશ્કેલ બન્યાં છે ત્યારે અવકાશી આફતના કારણે તેમનો ખર્ચ વધ્યો છે. ડિઝલની કિંમતમાં વધારો થવા સામે ટ્રાન્સપોર્ટરો માલ પરિવહનનું ભાડું વધારી શકયા નથી કારણ કે લોકડાઉન બાદ ટ્રાન્સપોર્ટેશન હજુ અગાઉની સ્થિતિએ પહોંચ્યું નથી.'

એસોસિયેશનના મતે, રાજયભરમાં ધોરીમાર્ગોને ભારે વરસાદ અને પૂરની સ્થિતિના કારણે નુકસાન પહોંચ્યું છે અને તેના કારણે નાના વાહનો દ્વારા ટ્રાન્સપોર્ટેશન કરતા લોકો માટે મુશ્કેલી ઊભી થઇ છે.

(11:42 am IST)