Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

મોરેટોરિયમ વ્યાજમાફીના મામલે સુપ્રિમ કોર્ટની કેન્દ્ર સરકારને ફટકાર

તમારા લોકડાઉનને કારણે વધ્યુ છે આર્થિક સંકટ

મોરેટોરિયમ મામલે વલણ સ્પષ્ટ કરવા આદેશ : કેન્દ્ર સરકારે માત્ર કારોબાર અંગે જ વિચારવું ન જોઇએ, પ્રજાના હિતોની પણ કાળજી રાખવી જોઇએ : લોકોની દુર્દશાનો પણ વિચાર કરવો જોઇએ

નવી દિલ્હી તા. ૨૬ : સુપ્રીમ કોર્ટે ઇએમઆઇ બાદમાં ચુકવવાની સુવિધા અંગે વ્યાજ વસૂલવાની નીતિ પર સરકારને આડે હાથ લીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સરકાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નામ લઇને પોતાની જવાબદારીથી પીછેહઠ કરી શકે નહિ. આરબીઆઇ પાછળ છુપાઇને સરકાર પોતાને બચાવાના પ્રયાસો કરી રહી છે. કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે આપણે લોકોની દુર્દશા પર વિચાર કરવો પડશે. કોર્ટે વધુમાં ઉમેર્યું કે તમે તમારું સંપૂર્ણ ધ્યાન કારોબાર પર રાખી શકો નહીં. આ અંગેની વધુ સુનાવણી ૧ સપ્ટેમ્બરે થશે.

સુપ્રીમ કોર્ટે વધુમાં ઉમેર્યું કે સરકારને આપદા પ્રબંધન કાયદા હેઠળ તે અધિકાર મળેલા છે જેનો ઉપયોગ કરીને તે લોકોને ટાળેલી લોનના ઇએમઆઇ પર વ્યાજ માફી કરી શકે છે. લોકડાઉનના કારણે થયેલી ભયાનક સ્થિતિમાં વ્યાજ વસુલવું કે નહી તે નિર્ણય આરબીઆઇ પર છોડી શકાય નહિ.

ધ્યાન રહે કે રિઝર્વ બેંકે લોકડાઉનના કારણે રોજગાર ગુમાવ્યાના કારણે લોનવાળાઓને રાહત આપવાના હેતુથી ઇએમઆઇ વસૂલવામાં નરમ વલણ દાખવ્યું છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે તેઓ તેમના ગ્રાહકોને ૩૧ ઓગસ્ટ સુધી ઇએમઆઇ નહી ભરવાની ઓફર આપે. જો કે આ દરમિયાન ગ્રાહકોને સામાન્ય દરથી વ્યાજ વસૂલવાની મંજુરી પણ બેંકોને આપવામાં આવી છે.

આરબીઆઇની આ નીતિ વિરૂધ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને લોન મોરેટોરિયમ દરમિયાન વ્યાજ માફ કરવાની માંગ રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં કોઇ સોગંદનામુ દાખલ કરવામાં આવ્યું નથી. એસબીઆઇ કે આરબીઆઇએ કંઇ પણ કહ્યું નથી.

કોર્ટે આ અરજી પર સુનાવણી દરમિયાન સરકારને કહ્યું કે, એવું લાગે છે કે કેન્દ્ર સરકાર આ મુદ્દા પર આરબીઆઇના નિર્ણયનું  બ્હાનું આપે નહીં. જ્યારે તેમની પાસે આપદા પ્રબંધન કાયદા હેઠળ તેને નિર્ણય લેવાની પર્યાપ્ત શકિતઓ છે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમને કહ્યું કે, કેન્દ્ર સરકાર લોન લેનાર લોકોને મુશ્કેલીમાં રાહત આપવાની દિશામાં આરબીઆઇની સાથે મળીને કામ કરી રહી છે.  તેઓએ કહ્યું કે કેન્દ્ર સરકારનું વલણ આરબીઆઇથી અલગ પણ હોય ના શકે. સુપ્રીમ કોર્ટે આ અંગે કેન્દ્રને એક સપ્તાહમાં જવાબ આપવાનો આદેશ આપ્યો અને કહ્યું કે સોગંદનામુ રજૂ કરીને લોન મોરેટોરિયમના મુદ્દા પર સ્પષ્ટ વલણ દાખવવા કહ્યું.

(3:12 pm IST)