Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ATMમાંથી રૂ. ૨,૦૦૦ની નોટ થઈ રહી છે ગાયબ!

કેટલીક બેન્કોએ તો તેમના ATMમાં રૂ. ૨,૦૦૦ની નોટો નહીં રાખવાની સત્તાવાર રીતે જાહેરાત પણ કરી

મુંબઇ,તા.૨૬ : દેશમાં બેન્કોના ATMમાંથી  રૂ. ૨,૦૦૦ની ચલણી નોટો ગાયબ થઈ રહી છે, કારણ કે તેનું પ્રિન્ટિંગ જ થઈ નથી રહ્યું. છેલ્લા કેટલાક સમયથી કેટલીક બેન્કોના ATMમાંથી રૂ. ૨,૦૦૦ની ચલણી નોટો નથી નીકળી રહી. કેટલીક બેન્કોએ તો તેમના ATMમાં રૂ. ૨,૦૦૦ની નોટો નહીં રાખવાની સત્ત્।ાવાર રીતે જાહેરાત પણ કરી છે. ત્યારે આ મામલે હવે રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ. ૨,૦૦૦ની ચલણી નોટ પ્રિન્ટ જ કરાવાઈ નથી અને કેટલાક વર્ષથી આ નોટનું ચલણ ઘટી ગયું છે.  આરબીઆઈએ તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે, દેશમાં માર્ચ ૨૦૨૦ના અંતે રૂ. ૨,૦૦૦ની ૨૭,૩૯૮ લાખ નોટો જ ચલણમાં હતી, જે રૂ. ૨,૦૦૦ની નોટના ચલણમાં આવેલો નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ નવેમ્બર ૨૦૧૬માં નોટબંધી લાગુ કર્યા પછી રૂ. ૨,૦૦૦ની નોટ ચલણમાં આવી હતી. જોકે, હવે બજારમાં તેનું ચલણ ઘટી રહ્યું છે.  ભારતીય રિઝર્વ બેન્કના અહેવાલ મુજબ માર્ચ ૨૦૧૮ના અંતમાં દેશમાં રૂ. ૨,૦૦૦ની ૩૩,૬૩૨ લાખ નોટ ચલણમાં હતી, જે માર્ચ ૨૦૧૯માં ઘટીને ૩૨,૯૧૦ લાખ નોટ થઈ હતી.

માર્ચ ૨૦૨૦ના અંત સુધીમાં દેશમાં ચલણી નોટોમાં રૂ. ૨,૦૦૦ની નોટનો હિસ્સો ૨.૪ ટકા છે, જે માર્ચ ૨૦૧૯માં ૩ ટકા કરતાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. માર્ચ ૨૦૧૮ના અંતે દેશમાં ચલણી નોટોમાં રૂ. ૨,૦૦૦ની નોટોનો હિસ્સો ૩.૩ ટકા હતો. મૂલ્યના સંદર્ભમાં પણ રૂ. ૨,૦૦૦ની નોટનો હિસ્સો માર્ચ ૨૦૧૮માં ૩૭.૩ ટકાથી ઘટીને માર્ચ ૨૦૧૯માં ૩૧.૨ ટકા અને માર્ચ ૨૦૨૦ના અંતે તેનાથી પણ વધુ ઘટીને ૨૨.૬ ટકા થયો હતો.

ત્યારે બીજીબાજુ દેશમાં નાણાકીય વર્ષ ૨૦૧૮થી શરૂ થતાં ત્રણ વર્ષમાં  ૫૦૦ રૂપિયા અને ૨૦૦ રૂપિયાની નોટોનું ચલણ મૂલ્ય અને જથ્થા બંનેના સંદર્ભમાં ક્રમશઃ વધ્યું છે. આરબીઆઈના અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન રૂ. ૨,૦૦૦ની ચલણી નોટોના પ્રિન્ટિંગની માગણી પણ કરાઈ નહોતી અને ભારતીય રિઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ તથા સિકયોરિટી પ્રિન્ટિંગ અને મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા તેનો નવો પૂરવઠો પણ પૂરો પાડવામાં આવ્યો નહોતો.

રિપોર્ટમાં જણાવાયું છે કે એક વર્ષ અગાઉની સરખામણીમાં વર્ષ ૨૦૧૯-૨૦માં  બેન્ક નોટ્સની માગણી ૧૩.૧ ટકા ઘટી હતી. ૨૦૧૯-૨૦ દરમિયાન બેન્ક નોટનો પુરવઠો એક વર્ષ અગાઉની સરખામણીમાં ૨૩.૩ ટકા ઘટયો હતો. આરબીઆઈએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન રૂ. ૫૦૦ની ચલણી નોટોના  ૧,૬૪૩ કરોડ નંગની માગણી કરવામાં આવી હતી તેની સામે ૧,૨૦૦ કરોડ નંગનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો.

વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન રૂ. ૫૦૦ની  નોટોની માગણી ૧,૧૬૯ કરોડ નંગ અને પૂરવઠો ૧,૧૪૭ કરોડ નંગ હતો, જે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ. ૫૦૦ની ચલણી નોટની માગ અને પૂરવઠામાં નોંધપાત્ર વધારો થયો હોવાનું દર્શાવે છે. ઉપરાંત વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન બીઆરબીએનએમપીએલ અને એસપીએમસીઆઈએલને રૂ. ૧૦૦ની નોટના ૩૩૦ કરોડ નંગ, રૂ. ૫૦ની નોટના ૨૪૦ કરોડ નંગ, રૂ. ૨૦૦નીનોટના ૨૦૫ કરોડ નંગ, રૂ. ૧૦ની નોટના ૧૪૭ કરોડ નંગ અને રૂ. ૨૦ની નોટના ૧૨૫ કરોડ નંગના પ્રિન્ટિંગનો ઓર્ડર અપાયો હતો.

(1:10 pm IST)