Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

રાજ્યસભામાં ભાજપનો દબદબો વધશે

યુપીની પેટાચુંટણી બાદ ઉપલા ગૃહનું ગણિત બદલાશે : ૧૧ સપ્ટેમ્બરે યુપીમાં છે ચૂંટણી : ૧૦માંથી વધુમાં વધુ બેઠકો જીતવા પ્રયાસ

લખનૌ તા. ૨૬ : આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની રાજ્યસભામાં બહુમતિ થવા જઇ રહી છે. મંગળવારે બહાર પડાયેલ નોટીફીકેશન મુજબ, ૧૧ સપ્ટેમ્બરે થનાર પેટા ચુંટણી માટે આંકડાઓના જોરે ભાજપા સહેલાઇથી પોતાની જીત નોંધાવી શકશે. સમાજવાદી પાર્ટીના સાંસદ અમરસિંહના નિધન પછી આ પેટા ચુંટણી જરૂરી બની ગઇ હતી.

પણ ૨૪૫ સભ્યોના ઉપલા સદનમાં ભાજપાને બે તૃત્યાંશ એટલે કે ૧૬૪ બેઠકોના આંકડા સુધી પહોંચવાના પ્રયાસમાં મોટો વધારો નવેમ્બરમાં થશે, જ્યારે ઉત્તર પ્રદેશના ૧૦ રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ પૂરો થશે અને ત્યાં ફરીથી ચૂંટણી થશે.

હાલમાં ભાજપા પાસે રાજ્યસભાના ૮૬ સભ્યો છે અને સહયોગી પક્ષોની મદદથી તે આંકડો ૧૧૩ પર પહોંચી જાય છે. ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભામાં ૩૧ સભ્યો જાય છે જે દેશના બાકીના રાજ્યોમાં સૌથી વધારે છે. ૪૦૩ સભ્યોની યુપી વિધાનસભામાં હાલ ૩૯૫નું સંખ્યાબળ છે. ભાજપા પાસે ૩૦૫ ધારાસભ્યો છે. એટલે નવેમ્બરમાં થનાર ચુંટણીમાં ભાજપા અહીંની ૧૦માંથી ૮ બેઠકો જીતવા માટે સક્ષમ હશે જ્યારે નવમી બેઠક પોતાની પાસે લેવા માટે તે વધારાના પ્રયત્નો કરશે.

૧૧ સપ્ટેમ્બરે થનાર પેટાચુંટણી માટેના રિટર્નીંગ ઓફિસર વૃજ ભૂષણે કહ્યું કે, રાજ્યસભાની ચૂંટણી એક જટીલ સમીકરણના આધારે થાય છે અને યુપી વિધાનસભાની વર્તમાન તાકાત મુજબ નવેમ્બરમાં જીત માટે દરેક સભ્યને જે મતની જરૂર પડશે તે ૩૭ની આસપાસ રહેશે.

(1:11 pm IST)