Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

'ભેંસ ભાગોળે અને છાસ છાગોળે' જેવો સર્જાયો તાલ

કોરોનાની રસી હજુ બજારમાં આવી નથી ત્યાં ખરીદી માટે ધનિક દેશોએ લાઇનો લગાવી દીધી

અમેરીકા, બ્રિટન, જાપાન જેવા દેશો મોખરે : ૨૦૨૧ ના અંત સુધીમાં દુનિયામાં ૪ અરબ ડોઝ તૈયાર થવાની સંભાવના

નવી દિલ્હી તા. ૨૬ : હજુ તો કોરોનાની રસીની શોધ પ્રક્રિયા ચાલુ છે અને બજારમાં આવી પણ નથી, ત્યાં તો તેની ખરીદી માટે બોલીઓ બોલાવા માંડી છે. ભેંસ ભાગોળે અને છાસ છાગોળે જેવો તાલ સર્જાયો છે.

૨૦૨૧ ના અંત સુધીમાં કોરોનાની રસીના ચાર અરબ ડોઝ તૈયાર થાય તેવી ગણત્રીઓ લગાવવામાં આવી છે. ત્યારે આ તૈયાર થનાર ડોઝમાંથી પહેલા બે હજાર ડોઝ ધનીક દેશોની જનતા સુધી પહોંચી જશે. પછી બીજાનો વારો આવશે. કેમ કે અમેરીકા, બ્રીટન, જાપાન જેવા દેશોએ રસી મેળવવા એડવાન્સ બુકીંગ કરાવી લીધા છે.

નેચર જર્નલમાં પ્રકાશિત એક રીપોર્ટમાં એવુ જણાવવામાં આવ્યુ છે કે આઠ મુખ્ય રસીઓમાંથી છ રસી પહેલા એવા ધનીક દેશોને પહોંચાડવામાં આવશે. જેઓએ એડવાન્સ બુકીંગ કરાવી લીધુ છે. મળતી માહીતી મુજબ એસ્ટ્રાજેનિક રસી સૌથી પહેલા આવવાની સંભાવના છે.  કંપની આગલા વર્ષના અંત સુધીમાં ૨.૯૪ અરબ ડોઝ તૈયાર કરશે. જેમાં સૌથી મોટો હિસ્સો વિકસીત દેશો તાણી જશે.

એજ રીતે નોવાકસની રસીના પણ ૧.૩૨ અરબ ડોઝ તૈયાર થવામાં છે. જેમાંથી અમેરીકા, બ્રીટનને ૧૬ કરોડ ડોઝ અપાશે. ફાઇઝરના ૨૩ કરોડ ડોઝ અમેરીકા, જાપાન અને બ્રીટનને તેમજ મોડર્ના રસીમાં પણ અમેરીકાએ ૧૦.૨૪ કરોડ ડોઝ બુક કરાવ્યા છે. જોનસન એન્ડ જોનસનની રસીમાં ૩૩ કરોડ ડોઝ યુરોપ, અમેરીકા અને બ્રીટને નોંધાવ્યા છે. સ્નોફી રસી માટે યુરોપ અને અમેરીકાએ મળીને ૪૬ કરોડ ડોઝ અને બ્રીટને ૬ કરોડ ડોઝ તે નોંંધાવ્યા છે.

આમ કોરોનાની રસી તૈયાર થયા પછી પણ પહેલા ધનીક લોકો લાભ લેશે. ત્યાર બાદ મધ્યમ વર્ગીય સ્થિતીના દેશોનો વારો આવશે.

અહેવાલો કહે છે કે સીરમ ઇન્સ્ટીટયુટે આસ્ટ્રાજેનીક રસીના એક અરબ ડોઝ પ્રતિવર્ષ બનાવવાનું એલાન કર્યુ છે. તેમાંથી અડધો હિસ્સો ભારતને અને અડધો હિસ્સો અન્ય દેશોને આપશે.

(1:15 pm IST)