Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સહકારી બેંકો - મંડળીઓની ચૂંટણી - સાધારણ સભા મોકૂફ

કોરોનાને કારણે ગુજરાત સરકારનો નિર્ણય : સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ ૩૧-૧૨-૨૦ તથા વાર્ષિક સાધારણ સભા અને હાલના શાસકોની મુદ્દતમાં ૩૧-૩-૨૧ સુધી વધારો : સાધારણ સભાની મંજૂરીને આધિન બેંકો અને મંડળીઓ ડિવીડન્ડ પણ ચૂકવી શકશે : વાર્ષિક હિસાબો પણ કારોબારી મંજૂર કરી શકશે : જો કે સાધારણ સભામાં મંજૂરી લેવાની રહેશે

રાજકોટ તા. ૨૬ : કોરોના મહામારીને કારણે સમગ્ર દેશ હચમચી ગયો છે. ઉપરાંત સામાન્ય લોકોથી માંડીને વિવિધ ક્ષેત્રને પણ જોરદાર ધક્કો લાગ્યો છે ત્યારે તેની અસરથી સહકારી ક્ષેત્ર પણ બાકાત નથી. ગુજરાત સરકારે અગાઉ સહકારી બેંકો અને મંડળીઓને આપેલી છૂટછાટ વધુ લંબાવી છે. રાજ્ય સરકારે બેંકો અને મંડળીઓની ચૂંટણી તથા સાધારણ સભા હાલ યોજી શકાય તેમ ન હોય તે હાલ તુરંત મોકૂફ રાખવા નિર્ણય લીધો છે. જે અંતર્ગત સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ ૩૧-૧૨-૨૦ સુધી તથા વાર્ષિક સાધારણ સભા અને હાલના શાસકોની મુદ્દત ૩૧-૩-૨૧ સુધી મુલત્વી રાખવા નિર્ણય લીધો છે. આ ઉપરાંત રાજ્ય સરકારે જણાવ્યું છે કે બેંકો અને મંડળીઓ સાધારણ સભાની મંજૂરીને આધિન રહી ડિવિડન્ડ અને વળતર પોતાના સભાસદોને આપી શકશે. આ ઉપરાંત વાર્ષિક હિસાબો પણ જે તે વ્યવસ્થાપક કમિટિ મંજૂર કરી શકશે. જો કે તેઓએ વાર્ષિક હિસાબોની સાધારણ સભામાં મંજૂરી લેવાની રહેશે.

ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવ્યું છે કે, કલમ ૧૭૭ મુજબ નાણાકીય પૂરૃં થયા બાદ ૬ મહિનાના ગાળામાં સભ્યોની સાધારણ સભા બોલાવાની હોય છે. તમામ મંડળીઓમાં નાણાકીય વર્ષ એપ્રિલથી માર્ચ હોય છે તેથી તમામ મંડળીઓએ મોડામાં મોડી ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૦ સુધીમાં સાધારણ સભા બોલાવાની રહે છે. હાલ કોવિડ-૧૯ને કારણે અનલોક-૩ ચાલુ છે તેમાં કોઇપણ મેળાવડાની મનાઇ છે. સહકારી મંડળીઓમાં મોટી સંખ્યામાં સભાસદો હોય સાધારણ સભામાં ઘણા બધા સભ્યો હાજર રહેતા હોય છે જો ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં સાધારણ સભા બોલાવામાં આવે તો સરકારશ્રીની ગાઇડલાઇન્સનું પાલન થઇ શકે તેમ નથી તેથી તમામ સહકારી મંડળીઓને સાધારણ સભા બોલાવવાની જોગવાઇમાંથી મુકિત આપી સાધારણ સભા બોલાવવાની મુદ્દત ૩૧-૩-૨૧ સુધી લંબાવાનો નિર્ણય લેવામાં આવે છે.

રાજ્ય સરકારે બહાર પાડેલા અન્ય એક પરિપત્ર અનુસાર નિર્દિષ્ટ સહકારી મંડળીઓ માટે તેમજ ગુજરાત સહકારી મંડળી અધિનિયમની કલમ ૭૪(૧) ની જોગવાઇ મુજબ અને સહકારી મંડળીઓમાં વ્ય. કમિટિના ચુંટાયેલા સભ્યો અને તેના હોદ્દેદારોના હોદ્દાની મુદત ચુંટણીની તારીખથી ૫ વર્ષની રહે છે. ગુજરાત સહકારી મંડળી અધિનિયમની કલમ ૭૪(સી)(૨)(૪) તથા કલમ ૭૪(૧-ગ)(૨) મુજબ કમિટિના ચુંટાયેલા સભ્યોની મુદ્દત પૂર્ણ થયાની તારીખ હોદ્દો ધરાવતા બંધ થશે તેવી જોગવાઇ હોવાને કારણે જે મંડળીમાં ચૂંટણીની તારીખથી ૫ વર્ષ પૂર્ણ થયા હોય અને નવી કમિટિની રચના ન થયેલ હોય તેવી મંડળીઓમાં કોઇ જ વ્ય.સમિતિ કાયદાકીય રીતે રહી શકે નહિ.

સરકારશ્રીના ૨૪-૪-૨૦૨૦ના જાહેરનામા અંતર્ગત મુદ્દત લંબાવવામાં આવેલ હતી. નિર્દિષ્ટ મંડળીઓની ચૂંટણી યોજવા ઓછામાં ઓછા ૪૫ દિવસનો સમય ચૂંટણી જાહેર કર્યા તારીખથી થાય છે તથા તેના સભાસદોની સંખ્યા વધારે હોય અને કાર્ય ક્ષેત્ર મોટું હોય છે. હાલમાં રાજ્યમાં કેટલાક વિસ્તારો પ્રતિબંધીત ઝોન જાહેર કરેલ છે આથી નિર્દિષ્ટ સહિતની મંડળીઓની કમિટિની મુદ્દત સંદર્ભે સરકારશ્રીએ આજે જાહેરનામુ બહાર પાડયું છે કે તમામ મંડળીઓની હાલમાં ચાલુ કમિટિઓને તમામ જોગવાઇઓમાંથી મુકિત આપી વ્ય.કમિટિની મુદ્દત તેની ચૂંટણીની તારીખ સુધી અથવા ૩૧-૧૨-૨૦૨૦ સુધી તે બે પૈકી જે વહેલું હોય ત્યાં સુધી લંબાવવા નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારશ્રીએ એક અન્ય પરિપત્ર પણ બહાર પાડયો છે જેમાં જણાવ્યું છે કે કલમ ૭૭ મુજબ નાણાકીય વર્ષ પૂરૃં થયા બાદ ૬ માસમાં સાધારણ સભા બોલાવાની રહે છે. કોરોનાને કારણે સભા સદરહું સમય મર્યાદામાં યોજી શકય બને તેમ નથી. પરિપત્રમાં જણાયા મુજબ કલમ ૬૬(ર) મુજબ મંડળીઓ નફાના કોઇ ભાગનો વિનિયોગ સાધારણ સભાની મંજૂરી સિવાય કોઇ ડિવિડન્ડ વેંચી શકતી નથી કે વળતર ચૂકવી શકિત નથી, શિક્ષણ ફંડ પણ આપી શકતી નથી. કોરોનાને કારણે સભાસદોની નાણાકીય હક્કો સમયસર મળે તે જરૂરી છે. આથી સાધારણ સભાની મંજૂરી વગર સભાસદોને ડિવિડન્ડ - વળતર જેવા લાભો મળી શકે જે માટે મંડળીઓને મુકિત જરૂરી હોય એટલે કે તેઓ સાધારણ સભાની બહાલી મેળવવાની શરતે સભાસદોને ડિવિડન્ડ વગેરે આપી શકશે.

સહકારી ક્ષેત્રોના અગ્રણી એડવોકેટ મહેન્દ્ર ફળદુએ આજે આ બાબતે વધુમાં જણાવ્યું હતું કે, સાધારણ સભા પણ મુલત્વી રાખવામાં આવી હોય જે તે મંડળી પોતાના વાર્ષિક હિસાબો વ્યવસ્થાપક કમિટિમાં મંજૂર કરી શકશે. જો કે મંડળીઓએ સાધારણ સભાની બહાલી લેવાની રહેશે.

સરકારે ૩૧ માર્ચ સુધી સામાન્ય સભા  યોજવામાંથી મુકિત આપી

સહકારી સંસ્થાઓ કોરોનાની ગાઇડ લાઇન જાળવી સામાન્ય સભા બોલાવી શકશે

જયાં ચુંટણી પુરી થઇ ગઇ છે ત્યાં માત્ર  સુકાનીઓની ચુંટણી માટે પ્રતિબંધ નહિ

રાજકોટ, તા., ૨૬: રાજય સરકારે કોરોનાની સ્થિતિને અનુલક્ષીને સહકારી સંસ્થાઓમાં સામાન્ય સભા બોલાવવાની મુકિતની મુદત ૩૦ સપ્ટેમ્બરથી વધારીને ૩૧ ડીસેમ્બર સુધી કરી છે. કોઇ સંસ્થા સામાન્ય સભા બોલાવવા ઇચ્છે તો કોરોનાની ગાઇડ લાઇનને અનુરૂપ મંજુરીથી બોલાવી શકશે.

સહકાર વિભાગના પરીપત્રમાં સામાન્ય સભા બોલાવવા પર પ્રતિબંધ જેવો કોઇ ઉલ્લેખ નથી. આ અંગે સહકાર વિભાગના ટોચના વર્તુળોનો સંપર્ક સાધતા તેમણે જણાવેલ કે સામાન્ય સભા સમય મર્યાદામાં યોજવા બાબતે સરકારે મુકિત આપી છે. કોઇ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ નોંધપાત્ર પ્રમાણમાં ન હોય અને તે સહકારી સંસ્થા સામાન્ય સભા બોલાવવા ઇચ્છે તો કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરીને બોલાવી શકશે. તે માટે કલેકટર અથવા સક્ષમ અધિકારીની પુર્વ મંજુરી લેવી જરૂરી છે.

જે સહકારી સંસ્થામાં સામાન્ય ચુંટણી પુરી થઇ ગઇ છે પરંતુ માત્ર સુકાનીઓની ચુંટણી જ બાકી છે ત્યાં નવા ચુંટાયેલા બોર્ડના સભ્યોની બેઠક બોલાવી ચુંટણી યોજી શકાશે. તે કાર્યવાહી જે તે જીલ્લા કક્ષાએથી થતી હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ ડેરી અને રાજકોટ લોધીકા સહકારી સંઘની ચુંટણી પ્રક્રિયા પુરી થઇ ગઇ છે. હવે માત્ર ચેરમેનની ચુંટણી માટે બોર્ડ બોલાવવાનું થાય છે તેને સરકારનો પરીપત્ર બંધનકર્તા નથી. કલેકટર સુકાનીઓની ચુંટણી માટે ચુંટણી અધિકારીની નિમણુંક કરે એટલે આગળની કાર્યવાહી થઇ શકશે તેમ સરકારના વર્તુળો જણાવે છે.

(3:13 pm IST)