Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન 'મેન ઓફ ધ યર' જોર્ડનના મેગેઝીન 'ધ મુસ્લિમ ૫૦૦' દ્વારા કરાઇ જાહેરાત!

કહેતા ભી દિવાના સુનતા ભી દિવાના

નવી દિલ્હી તા. ૨૬ : પાકિસ્તાનમાં પ્રજા સમક્ષ દરેક મોરચે નિષ્ફળ જવા છતાં પણ પાકિસ્તાની વડાપ્રધાનને 'મેન ઓફ ધ યર' સન્માનથી નવાજવામાં આવ્યા છે. આ સન્માન તેમને જોર્ડનમાં પ્રકાશિત થતા મેગેઝીન 'ધ મુસ્લિમ ૫૦૦' દ્વારા અપાયું છે. મેગેઝીન દ્વારા જણાવાયું છે કે ઇમરાન દુનિયાના ૧૬માં સૌથી પ્રભાવશાળી મુસ્લિમોમાં સામેલ છે. આ મેગેઝીને અમેરિકન કોંગ્રેસના મહિલા સાંસદ રાશિદા તાલિબને 'વુમન ઓફ ધ યર'નું સન્માન આપ્યું છે.

આમ તો આ સન્માન આ વાર્ષિક મેગેઝીન 'ધ મુસ્લિમ ૫૦૦'એ ઇમરાન ખાનને ભારત સાથે શાંતિ જાળવી રાખવાના પ્રયાસો માટે આપ્યું છે. મેગેઝીન દ્વારા કહેવાયું છે કે ઇમરાન ખાન પાકિસ્તાનના સૌથી હોનહાર ક્રિકેટરોમાંના એક હતા. આ મેગેઝીને ઇમરાન માટે લખ્યું છે કે જો ૧૯૯૨માં આ મેગેઝીન પ્રકાશિત થતું હોત તો ક્રિકેટ વિશ્વકપ જીતવા અને ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન માટે ઇમરાન ખાનને ત્યારે જ 'મુસ્લિમ મેન ઓફ ધ યર'નું સન્માન આપવામાં આવત.

મેગેઝીનના એડીટર એસ અબ્દુલ્લાનું કહેવું છે કે ઇમરાન ખાને કેન્સર પિડીતોના ઇલાજ અને રિસર્ચ માટે જ્યારે સફળ અભિયાન ચલાવ્યું હતું ત્યારે તે મને બહુ ગમ્યું હતું. તેમનું કહેવું છે કે ઇમરાનના પ્રયાસોથી જ લાહોરમાં ૧૯૯૪માં શૌકત ખાનમ મેમોરિયમ કેન્સર હોસ્પિટલ ચાલુ થઇ હતી.

(3:37 pm IST)