Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ગજબનો કિસ્સો : બકરી એક અને માલીક બે ઉભા થયા : પછી બકરીએ જ માલીક નકકી કર્યો

ઉદયપૂર : અહીંના ખેરોદા થાણાના ધોલા કોટ ગામમાં એક અજીબ મામલો સામે આવ્યો હતો. એક બકરીના બે બે માલીક સામે આવ્યા હતા. જો કે આ મામલો પોલીસ સમક્ષ લઇ જવાતા બકરીને જ તેનો માલીક નકકી કરવા તક અપાઇ હતી.

પોલીસ વર્તુળોના જણાવ્યા મુજબ ધોલાકોટ ગામમાં નિવાસી બાબરૂ રાવત કેટલાક દિવસ પહેલા બકરી ચરાવવા જંગલમાં ગયો હતો. જયાં એક બકરી ગુમ થઇ ગઇ હતી. શોધવા નિકળ્યો ત્યારે બાજુના માસિંગપુરા ગામના ડાંગફલાના  ઓમકારલાલ રાવતના ઘરે આ બકરી બાંધેલી જોવા મળી હતી. પણ ઓમકારલાલે એ બકરી પોતાની હોવાનો દાવો કર્યો હતો.

આમ એક બકરીના બે માલીક ઉભા થતા મામલો પોલીસ સ્ટેશન સુધી લઇ જવાયો હતો. ત્યાં સુધી કે બન્ને પક્ષોએ બકરીના બચ્ચા પણ પોતાની પાસે હોવાના ખુલાસા કર્યા હતા.

દરમિયાન એએસઆઇ ચતરારામ, કોન્સ્ટેબલ જીવારામ, ઉદયસિંહે બન્ને પક્ષોની વાત શાંતિથી સાંભળ્યા બાદ એવો રસ્તો કઢાયો કે બકરીના બચ્ચાને પોલીસ સ્ટેશને લઇ આવવામાં આવે. બચ્ચાને છુટા મુકવામાં આવ્યા. જે બચ્ચા દોડીને માં પાસે પહોંચી ગયા એ બચ્ચા લાવનાર પક્ષને બકરી સોંપવામાં આવી. જેમાં બાબરૂલાલ રાઉત જ ખરા માલીક નિકળ્યા હતા.

(3:39 pm IST)