Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

હું મહિનાઓથી કહી રહ્યો હતો અંતે RBIએ પણ સ્વીકાર્યુ

અર્થવ્યવસ્થા અંગે રાહુલ ગાંધીએ એકવાર ફરી કેન્દ્ર સરકારને આડે હાથ લીધી

નવી દિલ્હી તા. ૨૬ : દેશની અર્થવ્યવસ્થાને લઈને કોંગ્રેસ પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધીએ એકવાર ફરીથી કેન્દ્રની મોદી સરકારને શાણી સલાહ આપી છે. રાહુલ ગાંધીએ RBIના એક રિપોર્ટને ટાંકતા કહ્યું છે કે જે જોખમને લઈને હું કેટલાય મહિનાઓથી ચેતવી રહ્યો હતો આખરે હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ પણ તેનો સ્વીકાર કર્યો છે.

રાહુલ ગાંધીએ આ અંગે એક ટ્વીટ કરીને કહ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને એક ન્યુઝ રિપોર્ટ પણ શેર કર્યો છે. આ લેખમાં રિઝર્વ બેંકના રિપોર્ટ અંગે લખવામાં આવ્યું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં વપરાશને મોટો ઝટકો લાગ્યો છે. ગરીબોને સૌથી વધુ નુકશાન થયું છે. એવામાં અર્થવ્યવસ્થાને પાટા પર આવવા માટે ઘણો સમય લાગશે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ જે સમાચારનો લેખ શેર કર્યો છે તેમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરકારે કોર્પોરેટ ટેકસ રેટમાં જે કાપ મુકયો છે તેના લીધે પણ રોકાણને પ્રોત્સાહન નથી મળ્યું. પરંતુ, કંપનીઓએ દેવું ઘટાડવા અને કેશ બેલેન્સ વધારવામાં તેનો ઉપયોગ કર્યો છે.

આરબીઆઇના આ રિપોર્ટનો હવાલો આપતા રાહુલ ગાંધીએ સરકારને એકવાર ફરી સલાહ આપી છે. રાહુલે ટ્વીટના માધ્યમથી કહ્યું છે કે, 'સરકારે હવે વધુ ખર્ચ કરવાની જરૂર છે. લોન આપવાની જરૂર નથી. ગરીબને પૈસા આપો, ઉદ્યોગપતિઓના દેવા માફ ન કરો. ખાપટથી અર્થવ્યવસ્થાને ફરીથી ચાલુ કરાવો.'

સલાહ આપતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને અરીસો દેખાડવાનો પણ પ્રયાસ કર્યો છે. રાહુલ ગાંધીએ લખ્યું છે કે મીડિયાના માધ્યમથી દેશને ભટકાવવાથી ગરીબોની મદદ નથી થઇ શકે અને ન તો દેશની આર્થિક સમસ્યા દૂર થશે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ મહામારીને લીધે લાંબા સમય સુધી દેશમાં લોકડાઉન રાખવામાં આવ્યું હતું. જેને લીધે દેશની અર્થવ્યવસ્થાને ભારે નુકશાન થયું હતું. સરકારે અર્થવ્યવસ્થાને ફરી પાટા પર લાવવા માટે એક મોટા બજેટની જાહેરાત કરી હતી અને ઉદ્યોગકારોને લોન આપવાની જાહેરાત કરી હતી. રાહુલ ગાંધી સતત કહી રહ્યા હતા કે સરકાર માત્ર ટેકસ માફ કરે છે લોન આપે છે જયારે જરૂર છે ખર્ચ વધારવાની અને જયાં સુધી ગરીબોના હાથમાં પૈસા નહિ હોય ત્યાં સુધી અર્થવ્યવસ્થા સારી રીતે નહિ ચાલી શકે.

(3:40 pm IST)