Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

નિરજા ભનોટઃ માત્ર રર વર્ષની યુવતિની આતંકીઓ સામે અદમ્ય સાહસ-વિરતા

સૈનીક ન હોવા છતા ભારત સરકાર દ્વારા અશોક ચક્ર અપાયોઃ ૩૮૦ લોકોના જીવ બચાવેલ : કરાંચીમાં મુસાફરો સાથેનું પ્લેન ૧૯૮૬માં હાઇજેક થતા નિરજાએ ચતુરાઇથી મુસાફરો-ક્રુ.મેમ્બરને સુરક્ષીત બહાર કાઢેલ

નવી દિલ્હી તા. ર૬ : પંજાબના ચંદીગઢમાં ૭ સપ્ટેમ્બર ૧૯૬૩ ના રોજ જન્મેલ નીરજા ભનોટે પોતાના નાના એવા રર વર્ષના જીવનમાં ખુબજ મોટી સાહસીકતા દાખવી લગભગ ૩પ૦ થી વધુ લોકોના જીવ બચાવવા પોતાની જીંદગી ન્યોછાવર કરી દીધેલ.

નીરજા કોઇ સૈનીક ન હતી, છતા દેશનું બહાદુરી માટેના સૌથી મોટા સન્માન અશોક ચક્ર આપવામાં આવેલ. નીરજાનું જીવન ખુબ જ કઠણાઇ ભરેલું હતુ. બે ભાઇઓની એકમાત્ર બહેન નિરજાના ર૧ વર્ષે લગ્ન કરી દેવાયેલ. પણ દાંપત્ય જીવન લાંબુ ટકયુ ન હતું. ત્યાર બાદ નીરજાએ ફલાઇટ અટેડેન્ટ માટે અરજી કરેલ. ખૂબજ દેખાવશાળી નિરજાએ ઘણા મોડલીંગ પ્રોજેકટ પણ કરેલ.

ફલાઇટ અટેડેન્ટની નોકરી દરમિયાન નિરજાએ એન્ટી હાઇજેકીંગનો કોર્સ પણ કર્યો હતો.આ દરમિયાન પ સપ્ટેમ્બર ૧૯૮૬ ના રોજ મુંબઇથી ન્યુયોર્ક જતી પૈન એમ ફલાઇટ ૭૩ને હાઇજેક કરવામાં આવેલ. ફલાઇમાં ૩૭૧ મુસાફરો અને ૧૯ ક્રુ.મેમ્બર હતા. ફલાઇટ કરાંચી એરપોર્ટ ઉપર પહોંચતા ચાર આતંકીઓએ બધાને બંધક બનાવી લીધા હતા. નીરજા સીનીયર ફલાઇટ અટેડેન્ટ હતી. તેણે ખૂબજ ચતુરાઇ પૂર્વક પાયલોટને આ અંગે જાણ કરેલ. ત્રણેય પાયલોટ સુરક્ષીત રીતે કોકપીટમાંથી બહાર નિકળી ગયેલ. ત્યાર બાદ નિરજાએ આતંકીઓના નિશાન ઉપર રહેલ અમેરિકી નાગરીકોના પાસપોર્ટ છુપાવી દીધા હતા.

કલાકો સુધી બંધક રહ્યા બાદ નીરજાએ ઇમરજન્સી એકઝીટ ડોર ખોલી યાત્રીઓને સુરક્ષીત રીતે બહાર નીકળવામાં મદદ કરેલ. પણ સમગ્ર ઘટના દરમિયાન દેશની બહાદુર દિકરી આતંકીઓનો સામનો કરતી વખતે ગોળીનો શિકાર બની હતી, રર વર્ષની ઉંમરે અદમ્ય સાહસ દાખવનાર નિરજા અનેક ભારતીય યુવતીઓ માટે પ્રેરણા છે.

(3:42 pm IST)