Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

દેશના મધ્ય-પૂર્વ-ઉત્તરના રાજયોમાં ચોમાસુ સક્રિય

દિલ્હી એનસીઆર, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ- કાશ્મીર, આંધ્રપ્રદેશ, તેલંગાણામાં વરસાદનો રાઉન્ડઃર્ સ્કાયમેટ

નવીદિલ્હીઃ આ મહિનાના અંત સુધીમાં દેશના મધ્ય, પૂર્વ અને ઉત્તરના રાજયોમાં નેઋત્યનું ચોમાસુ સક્રીય રહેશે. દેશના જે ભાગોમાં વરસાદનું જોર ઓછું જોવા મળ્યું છે તેવા રાજયોમાં હવે વરસાદ પડશે. તેમ વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા જણાવાયું છે.

દેશભરમાં સામાન્યથી ૭ટકા વધુ વરસાદ નોંધાયો સામાન્ય રીતે ૬૬૮ મી.મી. વરસાદ પડતો હોય છે. જયારે આ વર્ષે ૭૧૩ મી.મી.વરસાદ નોંધાયો છે. મધ્ય ભારતમાં સામાન્યથી ૧૫ ટકા વધુ, દ.ભારતમાં સામાન્યથી ૨૪ ટકા વધુ, પૂર્વોતર ભારતમાં ૧૪ ટકા વધુ વરસાદ નોંધાયો છે.

ગુજરાતના સૌરાષ્ટ્ર- કચ્છમાં આ વખતે સામાન્યથી ૧૨૫ટકા વધુ વરસાદ નોંધાયો છે. હાલમાં એટલે કે ઓગષ્ટમાં ૪૦૧ મી.મી. વરસાદ નોંધાય છે. જયારે આ વર્ષે ૯૦૪ મી.મી. વરસાદ ખાબકી ગયો છે.

જયારે ઉત્તર- પશ્ચિમ ભારતના જમ્મુ- કાશ્મીરમાં ૪૨ ટકા, લદાખમાં ૬૬ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આગામી ત્રણ- ચાર દિવસ ઉત્તરભારતમાં સારા વરસાદની સંભાવના છે. સાથોસાથ ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના અમુક ભાગોમાં પણ વરસાદની શકયતા છે. બંગાળની ખાડીની સિસ્ટમ્સ મજબૂત બની ઓડીસ્સા, ઝારખંડ સુધી પહોંચી છે. પૂર્વ ભારતમાં પણ વરસાદ શરૂ થયો છે. ઓડિસ્સા, છતિસગઢ, ગંગીય પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ સારો વરસાદ પડી શકે છે.

દરમિયાન છેલ્લા દિવસોમાં ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદનું ઉગ્ર સ્વરૂપ જોવા મળ્યું હવે વરસાદમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે ચોમાસુ હજુ સક્રિય રહેશે. સિસ્ટમ્સ હજુ રાજસ્થાન અને પાકિસ્તાન ઉપર છે જેની અસર જોવા મળશે.

મોનસૂન ટ્રફ ઉત્તર દીશામાં ધીમે- ધીમે ગતિ કરી રહી છે. જેથી ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં બંગાળની ખાડીમાંથી ચોમાસુ પવનો પહોંચી રહ્યા છે. જેની અસરથી હરિયાણા, પંજાબ, દિલ્હી એનસીઆરમાં ફરી વરસાદનો રાઉન્ડ આવશે. ઉતરાખંડ અને હિમાચલપ્રદેશ, જમ્મુ- કાશ્મીરમાં તા.૨૬ થી ૨૮ હળવાથી મધ્યમ અને અમુક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.  પૂર્વ ભારતમાં બિહારમાં દક્ષિણ ભાગોમાં વરસાદ પડશે. પૂર્વોતર ભારતમાં સામાન્ય વરસાદ જોવા મળશે. દક્ષિણ ભારતમાં તેલંગાણા અને આંધ્ર પ્રદેશ, તામિલનાડુ સુધી ટ્રફની અસરથી ૨૪ થી ૪૮ કલાક વરસાદ પડશે.

(3:43 pm IST)