Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સાવધાન ! OTP વિના પણ ખાતામાંથી પૈસા ઉપડી રહ્યા છે

સાયબર અપરાધીઓ દ્વારા પેટીએમને ટાર્ગેટ કરી લૂંટ : ખાસ એપ થકી આવા લોકો કોઈના પણ એકાઉન્ટમાંથી ધારે ત્યારે ઓટીપી માગ્યા વિના ટ્રાન્ઝેક્શન કરી શકે છે

નવી દિલ્હી, તા.૨૬ :  ઓટોપી નંબર સાથે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને સુરક્ષિત માનવામાં આવે છે પણ કેટલાક સાયબર અપરાધીઓએ હવે તેનો પણ તોડ કાઢી લીધો છે. સામાન્ય રીતે, બેક્નો કસ્ટમરને એવી સલાહ આપતા હોય છે કે તેઓ પિન નંબર કે ઓટીપી કોઈને આપે નહીં અથવા બતાવે નહીં. આમ કરવાથી છેતરપિંડીથી બચી શકાય છે. જોકે, હવે અપરાધીઓ ઓટીપી નંબર વિના પણ આર્થિક અપરાધને અંજામ આપવા લાગ્યા છે.

ઓટીપી વિના આર્થિક અપરાધ કરવા માટે સાયબર ગુનેગારોએ એક એપ ડાઉનલોડ કરવાનું શરૂ કર્યું છે. આ એપ થકી એ લોકો કોઈના પણ એકાઉન્ટમાંથી ધારે ત્યારે ઓટીપી માગ્યા વિના ટ્રાન્ઝેક્શન કરી શકે છે. આવી છેતરપિંડી કરનારા લોકો મોટાભાગે પેટીએમ કેવાયસી નામથી લોકોની સાથે છેતરપિંડી કરી રહ્યા છે. ગ્રાહકોને ફોન કરીને બતાવાય છે કે તમારી કેવાયસી બાકી છે. કરી નાંખો અન્યથા પેટીએમ એકાઉન્ટ ૨૪ કલાકમાં બંધ થઈ જશે. કોલ કરનારો એમ પણ કહે છેકે કોરના મહામારીને કારણે તેઓ ફિઝિકલ વેરિફિકેશન માટે ઘરે આવી શકે તેમ નથી તેથી વેરિફિકેશન ફોન પર જ કરવું પડે તેમ છે.

            એ પછી ફોન કરનાર કહે છે કે ઓનલાઈન કેવાયસી માટે એક એપ ડાઉનલોડ કરી લે. તેની આઈડી ગ્રાહકને પૂછીને કોલર સ્માર્ટ રીતે હેક કરી લે છે. કોલર ગ્રાહકને પોતાના પેટીએમ એકાઉન્ટમાં એક રૂપિયો નાખવા માટે કહે છે. ગ્રાહક એક રૂપિયો પેટીએમ એકાઉન્ટમાંથી ચુકવે ત્યારે આ દરમિયાન ડાઉનલોડ કરાયેલી એપની મદદથી સાયબર અપરાધી પર્સનલ જાણકારી મેળવી લેતો હોય છે. કોલરની વાતોમાં આવીને ગ્રાહક ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરે તો એપની મદદથી ફોન હેક કરીને અપરાધી ક્રેડિટ કાર્ડનો પીન નંબર જોઈ લે છે. સાયબર એક્સપર્ટના કહેવા પ્રમાણે ટીમ વ્યૂઅર જેવી કોઈપણ એપથી સામેની વ્યક્તિની સિસ્ટમમાં શું ચાલી રહ્યું છે તે જાણી શકાય છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આવી કોઈ એપ ડાઉનલોડ કરવી ન જોઈએ.

(9:40 pm IST)