Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ડ્રેગન કા પ્યારા આમિર ખાન : સંઘના મુખપત્રમાં આમિરની ટીકા

તુર્કીના રાષ્ટ્રપતિના પત્ની સાથેની મુલાકાતથી RSS નારાજ : કેટલાક અભિનેતા પોતાના દેશ કરતાં વધારે ચીન અને તુર્કી જેવા દુશ્મન દેશોને વધારે પસંદ કરતા હોવાની ટિપ્પણ

નવી દિલ્હી, તા.૨૬ :  તૂર્કીના રાષ્ટ્રપતિનાં પત્ની સાથે મુલાકાત કરીને વિવાદમાં ફસાયેલા હિન્દી ફિલ્મોના અભિનેતા આમિર ખાન પર રાષ્ટ્રીય સ્વંયં સેવક સંઘે તેના મુખપત્રમાં આકરા પ્રહારો કર્યા છે. આરએસએસએ તેના મુખપત્ર પાંચજન્યમાં આમિરને ડ્રેગનનો વહાલા ખાન તરીકે દર્શાવીને તૂર્કી રાષ્ટ્રપતિની પત્ની એમિન એર્દોઆન સાથે મુલાકાત અને ચાઇનીઝ પ્રોડક્ટની જાહેરાત કરવાના મુદ્દે ટીકા કરી છે.  ડ્રેગન કા પ્યારા ખાન નામક શીર્ષકથી પ્રકાશિત થયેલા આર્ટીકલમાં લખવામાં આવ્યું છે કે, વિતેલા પાંચ-છ વર્ષમાં દેશભક્તિની ફિલ્મો જેવી કે ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક, મર્ણિકર્ણિકાને પ્રેક્ષકોએ અપાર પ્રેમ આપ્યો, પરંતુ બીજી તરફ કેટલાક અભિનેતા છે જે પોતાના દેશ કરતાં વધારે ચીન અને તુર્કી જેવા દુશ્મન દેશોને વધારે પસંદ કરે છે.

આર્ટીકલમાં લખવામાં આવ્યું છે કે, આમિર ખાનની ફિલ્મો ચીનમાં સારો બિઝનેસ જ નથી કરતી, પરંતુ ચાઇનીઝ પ્રોડક્ટનું ભારત માટે જાહેરાતો કરી ખાન મોટી કમાણી પણ કરે છે. આમિર ખાન ચીનની મોબાઇલ બ્રાન્ડના એમ્બેસેન્ડર છે. જે સુરક્ષા અર્થે યોગ્ય નથી. સંઘનો આરોપ છે કે ખાનની ફિલ્મો જે રીતે ચીનમાં પ્રસારિત થાય છે, એ ચીન સાથે આમિર ખાનના ગાઢ સંબંધોને દર્શાવે છે.

પાંચજન્યમાં થોડા વર્ષ પહેલા કિરણ રાવ સાથે જોડાયેલા વિવાદનો પણ વર્ણન કરાયુ હતું. આમિરે કહ્યુ હતું કે તેમની પત્ની કિરણ રાવને ભારત દેશથી ડર લાગી રહ્યો છે કારણ કે અહીં અસહિષ્ણુતા વધી છે.

(9:42 pm IST)