Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

અભિનેતા વિક્રમ ગોખલેનું ૭૭ વર્ષની વયે નિધન થયું

બોલિવૂડને વધુ એક આંચકો વાગ્યો : અભિનેતા નાદુરસ્ત તબિયતથી પરેશાન હતા અને પુણેની દિનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા

મુંબઈ, તા.૨૬ : બોલીવુડના દિગ્ગજ અભિનેતાઓમાં જેમની ગણતરી થતી હતી તેવા વિક્રમ ગોખલેનું ૭૭ વર્ષની વયે પુણે ખાતે નિધન થયું છે. તેમના નિધનના સમાચાર આવતા જ બોલીવુડ જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મહત્વનું છે કે હાલમાં થોડા દિવસ અગાઉ મીડિયામાં તેમના નિધનના સમાચાર વહેતા થયા હતા પરંતુ તેમની પત્ની અને દીકરીએ ખોટા ગણાવ્યા હતા. ત્યાર બાદ તેમની તબિયતમાં નજીવો સુધારો આવ્યો હતો તેવા પણ અહેવાલ મળ્યા હતાં. પરંતુ આજે આખરે સત્તાવાર તેમના નિધનના સમાચાર સાંપડી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસથી નાદુરસ્ત તબિયતથી પરેશાન હતા અને પુણેની દિનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ડૉક્ટરોએ તેમને બચાવવામાં કોઇ કચાશ નહોતી છોડી પણ કમનસીબે આજે સાંજે તેમની તબિયત કથળી અને મોડી સાંજે લાઇફ સપોર્ટ કાઢી લેવાની વાત પણ વહેતી થઈ હતી.

વિક્રમ ગોખલે પોતાના કરિયર દરમ્યાન હમ દિલ દે ચૂકે સનમ, ભૂલ ભૂલૈયા, દિલ સે, તુમ બિન, હિચકી, મિશન મંગલ જેવી અનેક હિટ ફિલ્મોમાં મહત્વના પાત્ર તરીકે જોવા મળ્યા હતા.

વિક્રમ ગોખલેનો જન્મ ૩૦ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ પુણેમાં થયો હતો. તેમના પરદાદી હિન્દી સિનેમાના પ્રથમ ભારતીય કલાકાર હતા જ્યારે તેમના દાદી હિન્દી સિનેમાના પ્રથમ બાળ કલાકાર હતા. વર્ષ ૧૯૧૩માં તેમની દાદી-પરદાદીએ ફિલ્મ મોહિની ભસ્માસુરમાં અભિનય કર્યો હતો. આ ફિલ્મનું દિગ્દર્શન ભારતીય સિનેમાના પિતામહ દાદાસાહેબ ફાળકેએ કર્યું હતું. તેમના પિતા ચંદ્રકાંત ગોખલે મરાઠી પીઢ અભિનેતા અને સ્ટેજ કલાકાર હતા. વિક્રમ ગોખલેએ લગભગ ૭૦ હિન્દી-મરાઠી ફિલ્મોમાં કામ કર્યુ હતું.

(7:25 pm IST)