Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ખેડૂતોને લાભ નહીં થાય તો કાયદામાં સંશોધન થશે : રાજનાથ સિંહ

ખેડૂતોના આંદોલનની વચ્ચે કેન્દ્રીયમંત્રીનું આશ્વાસન : પહેલી વખત આંદોલન પર નિવેદન કરનારા કેન્દ્રીય રક્ષા મંત્રીની ખેડૂતોને ચર્ચ માટે આગળ આવવા માટે અપીલ

નવી દિલ્હી, તા. ૨૫ : કૃષિ કાયદાઓને લઇને દિલ્હી બૉર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના આંદોલનને એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. પોતાની માંગોને લઇને ખેડૂતો જીદે ચડ્યા છે. કૃષિ કાયદા પર પહેલીવાર કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહની પ્રતિક્રિયા સામે આવી છે. રાજનાથ સિંહે કહ્યું કે, કૃષિ કાયદાઓને એક વર્ષ માટે લાગુ થવા દો. જો આ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત નહીં થાય તો આમાં જરૂરી સંશોધન કરવા માટે તૈયાર છીએ.

શુક્રવારના દિલ્હીમાં એક રેલીને સંબોધિત કરતા રાજનાથ સિંહે કહ્યું કે, હું પ્રદર્શન કરી રહેલા તમામ ખેડૂતોને કૃષિ કાયદા પર ચર્ચા માટે આગળ આવવાની અપીલ કરું છું. વાતચીત દ્વારા દરેક મુદ્દાનો ઉકેલ આવી શકે છે. વડાપ્રધાન ઇચ્છે છે કે ખેડૂતો સાથે વાતચીત ચાલુ રહે. તેમણે કહ્યું કે, અમારી સરકાર ક્યારેય એવું કંઈ નહીં કરે જે ખેડૂતોના હિતમાં ના હોય. રાજનાથ સિંહે કહ્યું કે, ધરણા પર જે લોકો બેઠા છે, તે ખેડૂત પરિવારમાં જન્મેલા ખેડૂતો છે. અમે તેમનું ઘણું જ સન્માન કરીએ છીએ.

રાજનાથ સિંહે કહ્યું કે, હું ખુદ ખેડૂતનો દીકરો છું. મોદી સરકાર ક્યારેય એવું કંઈ નહીં કરે જે ખેડૂતોના હિતોની વિરુદ્ધ હોય. અત્યારે એક અથવા બે વર્ષ માટે કૃષિ કાયદાઓને લાગુ કરવા દેવામાં આવે. આને પ્રયોગ તરીકે જોઇએ અને જો આ ખેડૂતો માટે લાભકારી સાબિત નથી થતા તો સરકાર દરેક સંભવ હશે એ સંશોધન કરવા તૈયાર રહેશે. બીજી તરફ ખેડૂતોએ કૃષિ આંદોલન ઉગ્ર કર્યું છે. નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ લુધિયાનાના એક પેટ્રોલ પંપનો ઘેરાવો કર્યો અને કોઇને પણ ત્યાં પેટ્રોલ અથવા ડીઝલ ભરાવવા દેતા નથી.

તો પંજાબના ભટિંડામાં બીજેપી ઑફિસનો ઘેરાવો કરવા જઇ રહેલા ભારતીય કિસાન યૂનિયનના ખેડૂતોને પોલીસે બેરિકેડ લગાવીને રોકવાનો પ્રયત્ન કર્યો, ત્યારબાદ ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. ખેડૂતો બેરિકેડિંગ તોડીને બીજેપી ઑફિસમાં ઘુસ્યા અને ત્યાં જોરદાર તોડફોડ કરી.

 

ચાલુ લોકલ ટ્રેનમાં મહિલા પર દુષ્કર્મ કરીને ફેંકી દીધી

માયાનગરી મુંબઈની હદયદ્રાવક ઘટના : મહિલા વાશીના રેલવે ટ્રેક પર બેભાન અવસ્થામાં મળતા હોસ્પિટલમાં દાખલ કરાઈ, દુષ્કર્મ થયાનું ટેસ્ટમાં ખુલ્યું

મુંબઈ, તા. ૨૫ : નવી મુંબઈના વાશી વિસ્તારમાં ચાલતી લોકલ ટ્રેનમાં બળાત્કારની હદયદ્રાવક ઘટના સામે આવી છે. આ ઘટના મંગળવાર સવારની છે, જ્યારે ૨૪ વર્ષિય મહિલાની સાથે ચાલતી લોકલ ટ્રેનમાં દુષ્કર્મ કરવામાં આવ્યું. મહિલા ગંભીર અવસ્થામાં વાશીની રેલવે ટ્રેક  પર બેભાન અવસ્થામાં મળી આવી હતી. આ મામલે વાશી જીઆરપીએ અજ્ઞાત વ્યક્તિની વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૭ અને ૩૭૬ હેઠળ કેસ નોંધ્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે.

આ ઘટનાની જાણકારી ત્યારે મળી જ્યારે એક બાઇકવાળાએ યુવતીને જોઇ અને ત્યારબાદ સ્ટેશન માસ્ટરને જણાવ્યું. ત્યારબાદ સ્ટેશન માસ્ટરે આ સૂચના જીઆરપીને આપી. જીઆરપી દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર મંગળવારની સવારે વાશી ખાડી પાસે રેલવેના પાટા પર આ મહિલા ઘાયલ અવસ્થામાં જિંદગી અને મોતની વચ્ચે ઝઝુમી રહી હતી.

ઘટનાની જાણકારી મળતા જ ઘટનાસ્થળે જીઆરપી અધિકારીઓ પહોંચ્યા હતા. તેમણે ઘાયલ મહિલાને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે મોકલી, પરંતુ મહિલાની હાલત વધારે નાજુક હોવાના કારણે તેને મુંબઈની જેજે હૉસ્પિટલમાં રિફર કરવામાં આવી. અત્યારે મહિલાની હાલત ઘણી જ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

જેજે હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મેડિકલ રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ પણ થઈ કે મહિલાની સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે. જાણકારી પ્રમાણે પીડિતા ટિટવાલાની રહેવાસી છે અને પવઈ વિસ્તારમાં નોકરાણીનું કામ કરે છે. અત્યારે જીઆરપી વાશી રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી રહી છે, જેથી આરોપી સુધી પહોંચી શકાય.

(12:00 am IST)