Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

આંદોલનને ૧ મહિનો પુરો : ખેડૂતોએ આપ્યા વાતચીતના સંકેત

હજુ સુધીની વાતચીતમાં આ કાયદાને લઇને સરકાર અને ખેડૂતો વચ્ચે કોઇ સહમતિ રચાઇ નથી

નવી દિલ્હી,તા. ૨૬: નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગને લઈને ખેડૂતો છેલ્લા ૧ મહિનાથી સિંધુ બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. ઠંડીની સાથે સિંધુ, ટિકરી, ગાઝીપુર બોર્ડર પર આંદોલન ઉગ્ર બન્યું છે. અહીં ખેડૂતોએ ગૃહસ્થી બનાવી લીધી છે. આ સમયે આજે ફરીથી ખેડૂતોએ સરકાર સાથે વાતચીત માટેની તૈયારી બતાવી છે.

ખેડૂતોના નવા ૩ કૃષિ કાયદાને પરત લેવાની માંગના સંદર્ભે આજે તેઓ છઠ્ઠી વખત સરકાર સાથે વાતચીત કરશે. હજુ સુધીની વાતચીતમાં આ કાયદાને લઈને સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ સહમતિ રચાઈ નથી.

વર્ષ ૨૦૨૦ના થોડા દિવસ બાકી છે ત્યારે સરકારથી લઈને ખેડૂતો દરેક એ આશા રાખી રહ્યા છે કે ખેડૂતોની માંગના સર્વમાન્ય નિરાકરણ લાવી શકાય. શનિવારે ખેડૂત સંગઠનોની ખાસ બેઠક થશે. આ મીટિંગમાં પીએમ મોદી દ્વારા આપવામાં આવેલા નવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરીને નવી રણનીતિ રચાશે. શકય છે કે આ બેઠકમાં વાતચીત બાદ જે જવાબ આવશે તેની પર ઔપચારિક નિર્ણય લેવાશે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે અનેક ખેડૂત સંગઠનોએ મીટિંગ કરી અને કેન્દ્ર સરકારની તરફથી વાતચીત માટે મળેલા આમંત્રણ પર કોઈ નિર્ણય લીધો ન હતો.

સપ્ટેમ્બર ૨૦૨૦માં આ ૩ નવા કૃષિ કાયદાને લાવ્યા બાદ સરકાર તેને સકારાત્મક પગલું માની રહી છે. આ કાયદાથી ખેડૂતો મુશ્કેલીઓથી મુકત થશે અને પોતાનું અનાજ પોતાની પસંદની કિંમતે વેચી શકશે. ખેડૂતોનું કહેવું છે કે નવા કાયદાથી તેમને સરકારની તરફથી મળતું એમએસપી બંધ થઈ જશે અને મંડીઓ પણ થોડા દિવસમાં ખતમ થઈ જશે. આ પછી તેઓએ તેમના અનાજને વેચવા માટે કોર્પોરેટ કંપનીઓના ભરોસે રહેવું પડશે.

ગુરુવારે કૃષિ મંત્રાલય દ્વારા ફરીથી એક પત્ર ખેડૂતો ને લખવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર ખેડૂત સંગઠનો દ્વારા તમામ મુદ્દાઓને તર્કસંગત રીતે હલ કરવા કટિબદ્ઘ છે. પત્રમાં ભૂતકાળમાં લેખિત સુધારા દરખાસ્તનો તેમજ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અંગે સ્પષ્ટતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ, ખેડૂત સંગઠનો દ્વારા જે મુદ્દાઓ ઉભા કરવામાં આવ્યા હતા તેનો જવાબ લેખિતમાં અપાયો હતો, પરંતુ અન્ય મુદ્દાઓ ચર્ચા માટે તૈયાર છે.

(9:39 am IST)