Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

કોરોના પછી કાનૂની લડત વધવા વકી : નિષ્ણાતોની માગમાં વધારો

મુંબઈ, તા.૨૬:કોરોના પછીના કાળમાં કાનૂની લડતમાં શકય વધારાને ધ્યાનમાં રાખી વિવિધ ક્ષેત્રની નાનીથી માંડી મોટી કંપનીઓ પોતાના લીગલ ડીપાર્ટમેન્ટની મજબૂત બનાવી રહી છે અને કાનૂનની દાવપેચના જાણકારોની ભરતી કરી રહી છે.

કોરોનાને કારણે બેન્ક લોનના રિપેમેન્ટસમાં મોરેટોરિઅમ, વન ટાઈમ લોન રિસ્ટ્રકચરિંંગ, વર્ક ફ્રોમ હોમ, નવા લેબર કોડ જેવા નિર્ણયો આવી પડયા છે. આ નિર્ણયોને કારણે સરકાર તથા કંપનીઓ વચ્ચે તથા કંપનીઓ અને તેમના કર્મચારીઓ વચ્ચે કાનૂની વિવાદો ઊભા થવાની શકયતા નકારાતી નથી.

દેશની નાનીથી મોટી ઔદ્યોગિક કંપનીઓમાં અનુભવી કાનૂની નિષ્ણાતોની ભરતી ખૂલી રહી હોવાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું.

લોનમાં ડીફોલ્ટ જતી કંપનીઓ પાસેથી નાણાંની વસૂલી માટેના ઈન્સોલવેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઈબીસી) ૨૦૧૬ હેઠળ હાલમાં નવા કેસો દાખલ કરવાનું મોકૂફ રખાયું છે.

આ નિર્ણય ૨૫ માર્ચ ૨૦૨૧ સુધી ચાલુ રહેવાનો હોવાથી ત્યારબાદ શરૂ થનારી કાર્યવાહી સંદર્ભમાં પણ બેન્કો તથા બોરોઅરો વચ્ચે કાનૂની વિવાદ વધવાની શકયતા રહેલી છે.

(9:39 am IST)