Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

મધરાત્રે ગૌહાટી પહોંચ્યા ગૃહમંત્રી:અમિતભાઇ આસામના બે દિવસની મુલાકાતે :વિધાનસભા ચૂંટણીની કરશે સમીક્ષા

મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરશે :ઈમ્ફાલમાં પોલીસ હેડક્વાર્ટરના નિર્માણ કાર્યક્મમાં ભાગ લેશે : 8,000 નામધર વૈષ્ણવ સંતોને નાણાકીય સહાયનું પણ વિતરણ કરશે: . એનડીએના ક્ષેત્રિય દળો સાથે પણ મુલાકાતકરશે

ગૌહાટી: ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે દિવસના પ્રવાસ પર અડધી રાત્રે ગૌહાટી પહોંચી ગયા છે. ગૃહમંત્રીના સ્વાગત માટે આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ જાતે એરપોર્ટ પર પહોંચ્યા હતા. શાહ બે દિવસ સુધી એટલે કે 26 અને 27 ડિસેમ્બરના રોજ ગૌહાટી અને ઇમ્ફાલમાં રહેશે. તેઓ આસામના સ્થાનિક સમૂહો સાથે પણ મુલાકાત કરશે.

 આ ઉપરાંત એક મેડિકલ કૉલેજનો શિલાન્યાસ પણ કરશે. 27મી ડિસેમ્બરે અમિતભાઇ શાહ ઇમ્ફાલ પોલીસ હેડક્વાર્ટરના નિર્માણ કાર્યક્રમમાં ભાગ લેશે. ગૃહમંત્રી આસામના 8,000 નામધર વૈષ્ણવ સંતોને નાણાકીય સહાયનું પણ વિતરણ કરશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે આસામમાં આવતા વર્ષે ચૂંટણી આવી રહી છે. ગૃહમંત્રી અડધી રાત્રે ગૌહાટી પહોંચ્યા હોવા છતાં રાજ્ય સરકારે તેમના ભવ્ય સ્વાગતની વ્યવસ્થા કરી હતી. એરપોર્ટથી નીકળતી વખતે શાહનું સ્વાગત લોક કલાકારોએ કર્યું હતું. ગૌહાટીના લોકપ્રીય ગોપીનાથ બારદોલાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કલાકારોએ પરંપરાગત નૃત્ય સાથે શાહનું સ્વાગત કર્યું હતું. કલાકારોએ અમિતભાઈ  શાહની આ મુલાકાતને યાદગાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાના આસામના નાણા મંત્રી હેમંત વિશ્વ શર્માપણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે હેમંત વિશ્વ શર્મા પૂર્વોત્તરમાં NDAના સંયોજક પણ છે.

હેમંત વિશ્વ શર્માએ જણાવ્યું કે અમિતભાઈ  શાહ પોતાના પ્રવાસના પ્રથમ દિવસે મહાપુરુષ શ્રીમંત શંકરદેવના જન્મસ્થળના વિકાસ કાર્યક્રમની શરૂઆત કરાવશે. આ સાથે જ ગૃહમંત્રી ગૌહાટી મેડિકલ કૉલેજનો શિલાન્યાસ કરશે. આગામી થોડા મહિનામાં યોજાનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમિતભાઈ  શાહ આસામમાં એનડીએના ક્ષેત્રિય દળો સાથે પણ મુલાકાત કરશે. ગૃહમંત્રી આસામ ગણ પરિષદ, યૂનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરેશન અને ગણશક્તિના નેતાઓ સાથે મુલાકાત કરશે

(9:52 am IST)