Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

૩૦મીએ વિદેશથી દિલ્હી પહોંચશે પંજાબી

આજે અને આવતીકાલે ૩૦ હજાર ખેડૂતોની પંજાબથી દિલ્હી તરફ કૂચ

નવી દિલ્હી તા. ૨૬ : કૃષિ કાયદાની વિરૂદ્ઘમાં પંજાબથી ખેડૂતો શનિવારે દિલ્હી કૂચ કરશે. દિલ્હી કૂચને ૧ મહિનો પૂરો થતાં કિસાન નેતા ૧૫ હજાર ખેડૂતો સાથે ખનૌરી સીમાથી દિલ્હીમાં પ્રવેશ કરશે. આ સાથે જ ૨૭ ડિસેમ્બરે ડબવાલી બોર્ડરથી દિલ્હીમાં અન્ય ૧૫ હજાર ખેડૂતો પ્રવેશ કરશે.

ભારતીય ખેડૂત યૂનિયન એકતાએ દિલ્હી કૂચને લઈને કેન્દ્ર સરકારના ખોટા પ્રચારને ઉજાગર કરવા માટે અને ખેડૂતોના અધિકારોને રજૂ કરનારી ૨.૫ લાખ પંજાબી ભાષાના અને ૫૦૦૦૦ હિન્દી ભાષામાં પેમ્પલેટ છપાવીને ઘરે ઘરે વિતરણ કર્યું છે. યૂનિયનના મહાસચિવ સુખદેવ સિંહ કોકરીએ કલાંએ કહ્યું કે કેન્દ્રના અડિયલ વર્તનને કારણે દિલ્હી બોર્ડર પર હજારો ખેડૂતોની સંખ્યા જોવા મળી રહી છે. તેમ છતાં દેશના પ્રધાનમંત્રી ખેડૂતોની સમસ્યાને લઈને ગંભીર નથી.

પ્રધાનમંત્રી અને કેન્દ્ર સરકારના વર્તનને જોતાં ખેડૂત સંગઠન આજે ૧૫ હજાર ખેડૂતો ખનૌરી સીમાથી દિલ્હીમાં પ્રવેશ કરશે. દિલ્હીમાં પ્રવેશ કરનારા ખેડૂતો ખનૌરી બોર્ડર પર પહોંચી ચૂકયા છે. તેમાં બાળકો, મહિલાઓ અને પુરૂષો પણ સામેલ છે. પ્રવેશ સમયે કોઈ અપ્રિય ઘટના બનશે તો તેની જવાબદારી સરકારની રહેશે.

ખેડૂત આંદોલનના વિરોધમાં ચાલી રહેલા દુષ્પ્રચાર અને જનતાને ગેરમાર્ગે દોરવા માટેના સંદેશને માટે ખેડૂત સંગઠનોએ એક જાગરૂકતા અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે સંયુકત ખેડૂત મોર્ચા હિંદી અને પંજાહી ભાષામાં ૧૦ લાખ પુસ્તકો અને અંગ્રેજીમાં ૫ લાખ પુસ્તકો દેશમાં વિતરણ કરશે. આ પુસ્તકમાં કેન્દ્ર સરકારના ૩ કૃષિ કાયદાની સચ્ચાઈ છે જે લોકો સુધી પહોંચાડાશે.

દિલ્હીની સીમાઓ પર ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને એક મહિનો થઈ ચૂકયો છે ત્યારે વિદેશમાં વસતા ભારતીયો ખાસ કરીને પંજાબીઓએ ખેડૂતો સાથે જોડાવવાની જાહેરાત કરી છે. તેઓ એનઆરઆઈ દિલ્હી ચલો અભિયાન હેઠળ ૩૦ ડિસેમ્બરે દિલ્હી આવશે.

(10:30 am IST)