Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

રાંધણ ગેસને લઇને ઓઇલ કંપનીઓ બહુ ઝડપથી કરી શકે છે મોટી જાહેરાત !

ડિસેમ્બરમાં અત્યાર સુધી સિલિન્ડરના ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારો થયો

નવી દિલ્હી તા. ૨૬ : નવું વર્ષ શરૂ થવાને હવે એક જ અઠવાડિયું બાકી છે. વર્ષ ૨૦૨૧ની શરૂઆત થતાની સાથે જ આપણા જીવનમાં અનેક બદલાવ આવશે. આમાથી અમુક બદલાવ એવા છે જેની સીધી અસર આપણા જીવન પર થશે. લગભગ તમામના રસોડામાં ઉપયોગ થતા એલપીજી સિલિન્ડરને લઈને પણ ખાસ બદલાવ થઈ શકે છે. એવી શકયતા છે કે એલપીજી સિલિન્ડરના ભાવ બહુ ઝડપથી દર અઠવાડિયે બદલાશે. ડિસેમ્બરમાં અત્યાર સુધી સિલિન્ડરના ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારે થયો છે.

 

ડિસેમ્બરમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં બે વખત ભાવ વધારો કરવામાં આવ્યો હતો. પ્રથમ ડિસેમ્બર બાદ ૧૫મી ડિસેમ્બરના રોજ પણ ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. પ્રથમ પખવાડિયા દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના ભાવ અને ફોરેન એકચેન્જ રેટના આધારે ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ અમુક મીડિયા કંપનીનું કહેવું છે કે ઓઇલ કંપનીઓ હવે એલપીજી સિલિન્ડરના ભાવ અઠવાડિયે નક્કી કરવાની તૈયારી કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલવામાં આવી રહ્યા છે, આ પ્રક્રિયામાં કોઈ સમસ્યા નથી આવી રહી. આથી શકયતા છે કે એલપીજી સિલિન્ડરના ભાવ અઠવાડિયે બદલાવામાં આવે તો કોઈ સમસ્યા નહીં આવે. જોકે, આ અંગે કોઈ અધિકૃત જાહેરાત નથી કરવામાં આવી. હાલ દરરોજ સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલની કિંમત બદલવામાં આવે છે.

હાલ રાજધાની દિલ્હીમાં સબસિડી વગરના ૧૪.૨ કિલોગ્રામ એલપીજી સિલિન્ડરનો ભાવ ૬૯૪ રૂપિયા છે. મુંબઈમાં પણ આ જ ભાવ છે. કોલકાત્ત્।ામાં આ ભાવ ૭૨૦.૫૦ રૂપિયા જયાર ચેન્નાઈમાં ૭૧૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર છે. એલપીજી સિલિન્ડરમાં આ ભાવ વધારો ૧૫મી ડિસેમ્બર, ૨૦૨૦થી લાગૂ છે. પાંચ કિલોગ્રામના ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ૧૮ રૂપિયા સુધી વધારો કરવામાં આવ્યો છે. જયારે ૧૯ કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૩૬.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર વધ્યો છે. કેન્દ્ર સરકાર દર વર્ષે ગ્રાહકોને સબસિડીવાળા ૧૨ સિલિન્ડર આપે છે.

(10:31 am IST)