Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

કોરોના કાળ વચ્ચે

થર્ટીફર્સ્ટ ઉજવવા ગોવા, દિવ, સાસણ, આબુ, લોનાવાલા, ઉદયપુર તરફ નજર દોડાવતા લોકો

મોટા શહેરોમાં રાત્રે ૯ પછી કર્ફયુને કારણે લોકો 'ડાઇન એન્ડ ડાન્સ' પાર્ટી દ્વારા ન્યુયરને વેલકમ નહીં કરી શકે : ફાર્મહાઉસ તથા ઘરમાં પ્રાઇવેટ પાર્ટી દ્વારા 'ફૂલનાઇટ આઉટ'નો નવો ટ્રેન્ડ * કર્ફયુ નથી તેવા વિસ્તારમાં અમુક હોટલ-રીસોર્ટ દ્વારા ગાલાડીનર સાથે 'વેલકમ ન્યુયર' પાર્ટીના ડી.જે. ગાઇડલાઇન્સ મુજબના વિવિધ પેકેજીસ

રાજકોટ,તા. ૨૬: દર વર્ષે ૩૧ ડીસેમ્બર આવે એટલે ભારત સહિત વિશ્વના લોકો ઇસુ-ખ્રિસ્તના નવા વર્ષને વધારવ થનગનતા હોય છે. હાઇકેપેસિટી તથા સાઉન્ડ સાથેના ડી.જે. અને લાઇવ ઓર્કેસ્ટ્રા સંગાથે લોકો 'ડાઇન એન્ડ ડાન્સ' પાર્ટીમાં હોંશભેર ન્યુ યર વેલકમ કરતા હોય છે. એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા હોય છે.

આ વર્ષે વૈશ્વિક મહામારી કોરોનાનો સમય ચાલી રહ્યો છે અને ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરોમાં રાત્રે ૯ વાગ્યા પછી કર્ફયુ લાગી જતો હોવાથી લોકો દર વર્ષની માફક 'ડાઇન એન્ડ ડાન્સ' પાર્ટી નહીં કરી શકે. સાથે-સાથે કોવિડ ગાઇડ લાઇન્સ મુજબ એક જ જગ્યાએ ઘણા બધા લોકોને એકઠા પણ નથી કરી શકાતા.

 આવા તમામ પરિબળો વચ્ચે આ વર્ષે પોતાની માલિકીના ફાર્મહાઉસ તથા ઘરમાં કે એપાર્ટમેન્ટમાં પ્રાઇવેટ પાર્ટી દ્વારા 'ફૂલનાઇટ આઉટ' નો નવો ટ્રેન્ઠ શરૂ થયો છે. તા. ૩૧ ડીસેમ્બરના રોજ લોકો રાત્રે ૯ પહેલા ઘરેથી નિકળીને બીજે દિવસે ૧ જાન્યુઆરીના રોજ સવારે ૯ વાગ્યા પછી ઘરે આવશે. તેવા આયોજનો થઇ રહ્યા છે. અહીં ગ્રુપ -સર્કલના કે ફેમિલીના ગણતરીના લોકો ભેગા મળીને ડાન્સ પાર્ટી કે મસ્તી -મજાક-ગેઇમ્સ, વિગેરેના આયોજનો કરશે. તેવું જાણવા મળે છે. જો કે અહીં પણ કોરોના સામેની તકેદારીરૂપે માસ્ક પહેરવું, સોશ્યલ ડીસ્ટન્સીંગ, સેનિટાઇઝેશન વિગેરેનું પાલન કરવું હિતાવહ રહેશે. તંત્ર દ્વારા પણ ફલાઇંગ ચેકીંગ સ્કવોડ દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ કરવા માટેનો પ્લાન બનાવાયો છે.

આ ઉપરાંત જે વિસ્તારોમાં કર્ફયુ નથી તેવા સ્થળો જેવા કે ગોવા, દિવ, સાસણ, માઉન્ટ આબુ, લોનાવાલા, મહાબળેશ્વર, ઉદયપુર, કંુબલગઢ વિગેરે ડેસ્ટીનેશન્સ ઉપર થર્ટીફર્સ્ટની ઉજવણી કરવા માટે લોકો નજર દોડાવવા માંડ્યા છે. અહીંખાતેના અમુક રીસોર્ટ-હોટલ દ્વારા તો ગાલા ડીનર સાથે 'વેલકમ ન્યુ યર' પાર્ટીના પણ આયોજનો થયા હોવાનું જાણવા મળે છે. કોવિડ ગાઇડલાઇન્સના ચુસ્ત પાલન સાથે વિવિધ હોટલ્સ-રીસોર્ટસના આકર્ષક પેકેજીંસ પણ બજારમાં વેચાતા હોવાનું રાજકોટના અગ્રણી ટ્રાવેલ એજન્ટસ દિલીપભાઇ મસરાણી, દિપકભાઇ કારીયા, જીતુભાઇ વ્યાસ, સમીરભાઇ કારીયા વિગેરે જણાવી રહ્યા છે.

 ૩૧ ડિસેમ્બર સહિતના બે થી ત્રણ દિવસના ડાઇન એન્ડ ડાન્સ સાથેના ગોવાના થ્રી સ્ટાર થી ફાઇવ સ્ટાર હોટલના પેકેજ એક રાત્રી દીઠ રૂમ દીઠ પ્રતિ વ્યકિત ૩ હજારથી માંડીને ૧૫ હજાર સુધી સાંભળવા મળે છે. આમા જમવા સાથે ડ્રીન્ક પણ સામેલ હોય છે અને આમ પણ વર્ષોથી ૩૧ ડીસેમ્બરની ઉજવણીમાં કડકડતી ઠંડીમાં પણ ગોવા સહેલાણીઓ માટે 'હોટકેક' રહેતુ આવ્યું છે.

ગોવા ઉપરાંત રાજસ્થાનના માઉન્ટ આબુ, ઉદયપુર તથા કુબલગઢના પેકેજ પણ જાણવા મળી રહ્યા છે. ઉદયપુરમાં થ્રી સ્ટારથી ફાઇવ સ્ટાર હોટલના ડાઇન એન્ડ ડાન્સ -ડ્રીન્ક સાથેના પેકેજ એક દિવસના ૬ થી સાડા નવ હજાર આસપાસ બોલાઇ રહ્યા છે. કુંબલગઢમાં પણ ફાઇવ સ્ટાર હોટલમાં પ્રતિ વ્યકિત ૧તી ૧૦ હજાર રૂપિયા ફુલ પેકેજ ૩૧ ડિસેમ્બરના રોજ બુક થઇ રહ્યા છે. રાજસ્થાનની આબુ સહિતની આ બધી જગ્યાએ કર્ફયુ પણ નથી અને દારૂ પણ છુટથી મળતો હોવાથી ન્યુયર સેલિબ્રેશન્સનું આકર્ષક રહેતુ હોય છે.

જૂનાગઢ જીલ્લામાં આવેલ સાસણગીરની લોકપ્રિયતામાં જબ્બરદસ્ત ઉછાળો આવ્યો છે. ફોરેસ્ટ સફારી દેવળીયા પાર્કમાં સિંહ દર્શનની સાથે સાથે એકથી એક ચઢીયાતા રીસોર્ટસ-હોટલો પણ પર્યટકોને આકર્ષી રહ્યા છે. લોકો વિકેન્ડમાં પણ સાસણ જઇ રહ્યા છે. સાસણ ખાતે અમુક રીસોર્ટ તો કોઇ એક જ ગ્રુપ સર્કલ બુક કરાવી લેતુ હોય છે. જેને કારણે અન્ય અજાણ્યા લોકોના સંપર્કમાં આવવું ન પડે  અને કોરોના સામે તકેદારી પણ જળવાઇ રહે. સાસણ ખાતે રીસોર્ટ તથા હોટલની કેટેગરી મુજબ પ્રતિ વ્યકિત એક દિવસના ૩ હજારથી ૮ હજાર રૂપિયા સુધી પેકેજ સાંભળવા મળી રહ્યા છે. દિવ, માઉન્ટ આબુ ખાતે પણ અલગ અલગ પેકેજીસ ઉપલબ્ધ હોવાનું જાણવા મળે છે. જૂનાગઢ ખાતે તાજેતરમાં જ રોપ-વે શરૂ થતા સહેલાણીઓનો પ્રવાહ ત્યાં પણ ખેંચાઇ રહ્યો છે.

મહારાષ્ટ્રમાં રાત્રે કર્ફયુને કારણે મોટાભાગે મુંબઇ બંધ છે. પરંતુ લોનાવાલા મહાબળેશ્વર સહિતના સ્થળોએ થર્ટીફર્સ્ટ નિમિતે લોકોની ચહેલ-પહેલ જોવા મળશે. લોનાવાલાના પ્રતિદિન, પ્રતિ વ્યકિત થ્રી સ્ટાર, ફોર સ્ટાર હોટલના પેકેજ ચાર હજારથી સાત હજાર આસપાસ બુક થઇ રહ્યાનું જાણવા મળે છે.

(નોંધઃ અહીં આવેલ વિવિધ પેકેજીસના ભાવમાં સંજોગોવસાત ફેરફાર થઇ શકે છે. વિવિધ પેકેજીસમાં આવવા-જવાની ટીકીટનો સમાવેશ થતો નથી.)

  • સ્ટેચ્યુ ઓફ યુનિટી, પોલો ફોરેસ્ટ, નોર્થગોવા (કલબ કલ્ચર) તથા ગીરનાર રોપ-વેનું પણ આકર્ષણ

૩૧ ડીસેમ્બર તથા ક્રિસમસની રજાઓ નિમિતે ગુજરાતના કેવડીયા ખાતે આવેલ ઐતિહાસિક 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પણ પર્યટકોની પ્રથમ પસંદ છે. અહીં 'ટેન્ટ સિટી' સાથેના બે રાત્રીના પેકેજ પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત અમદાવાદથી ઉદયપુર તરફ જતા પોલો ફોરેસ્ટ ખાતેનો સતવા રીસોર્ટના તમામ ભોજન સાથેના ટેન્ટ પેકેજ પણ સહેલાણીઓ દ્વારા પસંદ કરાઇ રહ્યા છે. સાથે સાથે એશિયાનો સૌથી મોટો ટેમ્પલટન રોપ-વે (ગીરનાર) પણ હાલમાં પૂરજોશમાં ચાલુ છે.

નોર્થ ગોવામાં આવેલ વિવિધ કેસીનો, કલબ, હોટલ, રીસોર્ટ, કાર્ડ કલબ, બીચ બાર પણ દર વર્ષે આકર્ષણનું કેન્દ્ર રહે છે. અહીં બીચબાર ઉપરતો ઘણાં ફોરેનર્સ પણ મળી રહે છે. અહીં મોટાભાગની કલબોમાં કપલ એન્ટ્રી જ મળે છે, સીંગલ (સ્ટેગ એન્ટ્રી એલાઉડ નથી. નોર્થ ગોવાની કલબ કબાના, સિન્ક કલબ, ટેટોઝ કલબ, મામ્બોઝ કલબ યુ. વી. બાર વિગેરે ખૂબ જાણીતા નામો છે.

(10:32 am IST)