Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ગુજરાતમાં જિયોના ૫૦ મહિનામાં ૨.૫૦ કરોડ ગ્રાહકો

સાત ઓપરેટરોને મળીને અઢી કરોડ ગ્રાહકો મેળવતા ૧૨ વર્ષ લાગ્યા હતા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૫ : ગુજરાત સહિત સમગ્ર દેશમાં લેટેસ્ટ ટેકનોલોજી સાથે ટેલિકોમ સેવાઓ આપતી કંપની જિયોએ ગુજરાતમાં વધુ એક સીમાચિન્હ હાંસલ કર્યું છે. માત્ર ૫૦ મહિનામાં જિયોએ ગુજરાતમાં ૨.૫૦ કરોડ ગ્રાહકો મેળવ્યા છે. આ સીમાચિન્હ હાંસલ કરનાર જિયો ગુજરાતની સૌથી વધુ ઝડપે વિકાસ પામતી ટેલિકોમ કંપની બની ગઈ છે.

 

ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) દ્વારા ઓકટોબર ૨૦૨૦ના સબસ્ક્રિપ્શનના આંકડાનો અહેવાલ જારી કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, સપ્ટેમ્બર ૨૦૧૬માં પોતાની સેવાઓ શરૂ કરનાર જિયો દ્વારા ઓકટબર ૨૦૨૦માં પહેલીવાર ૨.૫૦ કરોડ ગ્રાહકોનો આંકડો પાર કર્યો છે.

ગુજરાતમાં પહેલીવાર મોબાઇલ ફોન સેવાઓ વર્ષ ૧૯૯૭માં શરૂ કરવામાં આવી હતી ત્યારે રૂ.૧૬ પ્રતિ મિનિટના દરે આઉટગોઇંગ કોલ થતો હતો. ધીમી છતાં મક્કમ ગતિએ ઓપરેટર્સની સંખ્યા વધી અને ધીમે ધીમે ગ્રાહકોની સંખ્યામાં પણ વધારો થતો ગયો. આ સ્થિતિમાં ગુજરાતમાં ઉપલબ્ધ સાત ટેલિકોમ ઓપરેટર્સના કુલ ગ્રાહકોની સંખ્યા ૨.૫૦ કરોડ સુધી પહોંચતાં ૧૨ વર્ષ લાગી ગયા હતા. વર્ષ ૨૦૦૯ના મે મહિના સુધીમાં આટલા ગ્રાહકો મેળવનારા ટેલિકોમ ઓપરેટર્સમાં વોડાફોન એસ્સાર, આઇડિયા, ભારતી એરટેલ, આરકોમ, ટાટા ટેલિસર્વિસિઝ, એરસેલ અને બીએસએનએલનો સમાવેશ થતો હતો.  વર્ષ ૨૦૧૬ના સપ્ટેમ્બર મહિનામાં અહીં પોતાની સેવાઓ શરૂ કરનાર જિયોને આ સ્થિતિએ પહોંચતાં માત્ર ચાર વર્ષ અને બે મહિનાનો સમય લાગ્યો છે. જિયો ભારતમાં લોન્ચ થયું એ પછી ડેટા પાછળ થતો ખર્ચ લોકોને પોસાય તેવો થઈ ગયો અને કોલ પાછળનો ખર્ચ નહિવત બન્યો છે.

ટ્રાઇના આંકડા અનુસાર, વર્ષ ૨૦૨૦નો ઓકટોબર મહિનો પૂરો થયો ત્યારની સ્થિતિએ ગુજરાતમાં કુલ ૬.૭૩ કરોડ ગ્રાહકો થયા. તેમાંના સૌથી વધુ ૨.૫૩ કરોડ ગ્રાહકો વોડાફોન આઇડિયાના છે અને ત્યારબાદ જિયોના ૨.૫૦ કરોડ ગ્રાહકો છે. ભારતી એરટેલના કુલ ૧.૦૭ કરોડ જયારે બીએસએનએલના ૬૧ લાખ ગ્રાહકો છે. વર્ષ ૨૦૨૦ના સપ્ટેમ્બર મહિનાની સ્થિતિ સાથે સરખાવીએ તો એક મહિનામાં ૫.૩૬ લાખ ગ્રાહકોનો ઉમેરો થયો છે.

તાજેતરમાં જ ટ્રાઇ દ્વારા ગુજરાતમાં અસ્તિત્ત્વ ધરાવતા ટેલિકોમ ઓપરેટર્સની નાણાકીય સ્થિતિના આંકડાનો અહેવાલ પણ જારી કરવામાં આવ્યો હતો. આ અહેવાલ અનુસાર સપ્ટેમ્બર ૨૦૨૦ સાથે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં જિયો ૪૫.૧૩ ટકા હિસ્સો તથા રૂ.૯૭૮ કરોડની આવક સાથે ટોચ પર છે. આ સમયગાળા દરમિયાન વોડાફોન ૨૯.૩૮ ટકા હિસ્સો અને રૂ. ૬૩૬ કરોડની આવક સાથે બીજા નંબરે છે. ભારતી એરટેલ અને બીએસએનએલ અનુક્રમે ૧૫ ટકા અને ૯ ટકા હિસ્સો ધરાવે છે તથા સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીના ત્રિમાસિક ગાળામાં આવક અનુક્રમે રૂ. ૩૩૧ કરોડ અને રૂ. ૧૯૨ કરોડ છે.

(11:04 am IST)