Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

આંધ્રમાં ૧ કિલો ટમેટાનો ભાવ ૩૦ પૈસા

ખેડૂતો MSP માટે ગેરન્ટી અમથી નથી માંગતા : ખેડૂતો પાસેથી ૩૦ પૈસામાં લઇ બજારમાં ૩૦ રૂપિયે વેંચાય છે

હૈદ્રાબાદ,તા.૨૬ : એક તરફ જયાં દિલ્હી અને આસપાસની સરહદ પર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે આંધ્રપ્રદેશના ખેડૂતો મોટી મુશ્કેલીમાં ફસાયા છે જયાં તેમને ટામેટાંના ભાવ નથી મળી રહ્યા.

ખેડૂતો પોતાના જે અધિકારોની માંગણી કરી રહ્યા છે ત્યારે આંધ્રપ્રદેશના ખેડૂતો માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.  અહિયાં ખેડૂતોએ માત્ર ૩૦ પૈસાના કિલો ભાવે ટામેટાં આપવા પડી રહ્યા છે. બે દિવસથી ટામેટાંની કિંમત દ્યટીને ૩૦ પૈસા પ્રતિકિલો પર આવી ગઈ છે. આ સમાચાર જેણે પણ વાંચ્યા તે ચોંકી ગયું કે માત્ર ૩૦ પૈસાના કિલોમાં ખેડૂતોએ પોતાના ટામેટાં વેચવા પડી રહ્યા છે.

આંધ્રપ્રદેશમાં ટામેટાંનો મબલખ પાક લેવાયો અને બમ્પર પેદાશો થઈ, હવે આ જ કારણથી ખેડૂતોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે ટામેટાંની કિંમતો તળિયે આવી ગઈ છે. આંધ્રપ્રદેશના રાયલસીમામાં ટામેટાંની હોલસેલ કિંમતો દ્યટીને ૩૦દ્મક ૭૦ પૈસા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. ખેડૂતોને પારવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને દ્યણા બધા ખેડૂતોએ આ મુદ્દે પ્રદર્શન પણ કર્યું છે.  બજારના લોકો કહી રહ્યા છે કે અચાનક જ ૧૫૦ ટન ટામેટાં આવી ગયા જેના કારણે કિમંતો ઘટી ગઈ છે.

નોંધનીય છે કે રાયલસીમા વિસ્તાર પહેલેથી જ ટામેટાં માટે પ્રખ્યાત છે અને ગુરુવારે અહિયાં ખેડૂતો જયાં પોતાના ટામેટાં વેચવા આવે ત્યાં જ તેની કિંમત ૩૦ પૈસા પર પહોંચી ગઈ. ખેડૂતો કહી રહ્યા છે કે જેટલા રૂપિયા અહિયાં મળી રહ્યા છે એટલામાં તો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો પણ ન નીકળે.

નોંધનીય છે કે ખેડૂતો જો આ રીતે ૩૦ પૈસામાં પોતાના ટામેટાં વેચે તો આ હાલતમાં પરિવારનો ખર્ચ કાઢવો મુશ્કેલ પડી શકે છે. આટલું જ નહીં આરોપ છે કે ખેડૂતો પાસેથી જે ટામેટાં ૩૦ પૈસાના ભાવ પર લેવામાં આવે છે તે માર્કેટમાં ૩૦ રૂપિયામાં વેચાઈ રહ્યા છે.

(3:28 pm IST)