Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ધ્યાન અને સંગીતએ મેડિટેશનના જ પ્રકાર છેઃ પૂ. મોરારીબાપુ

ઉત્તર પ્રદેશના શુક્રતાલમાં આયોજીત 'માનસ માલ્યવંત' ઓનલાઈન શ્રીરામકથા કાલે વિરામ લેશે

રાજકોટ, તા. ૨૬ :. 'શ્રીરામ કથા, શ્રી ભગવત કથા સહિતની કથાઓમાં સંગીતએ મેડિટેશનનો જ એક પ્રકાર છે. ધ્યાન અને સંગીત મેડિટેશન છે' તેમ પૂ. મોરારીબાપુએ ઉત્તર પ્રદેશના શુક્રતાલ ખાતે આયોજીત 'માનસ માલ્યવંત' ઓનલાઈન શ્રીરામકથાના આજે આઠમા દિવસે કહ્યુ હતું.

પૂ. મોરારીબાપુએ ગઈકાલે સાતમા દિવસે કહ્યુ હતુ કે આપણા વલ્લભાચાર્યજીએ અદભૂત મધુરાષ્ટક લખ્યુ અને જોડીયાવાળા ભાઈઓ-બહેનો, હું આપને ખાસ કહું છું આપની સામે જ બેસીને બોલી રહ્યો છું. હું બેઠો છું ગંગાતટ પર પણ જાણે જોડિયાની ઉંડ નદીના તીર પર હોઉ એવુ સમજજો. બાપુએ 'મ' કાર વિશે સમજાવતા કહ્યું કે ચરિત્ર મધુર છે. આશ્રય મધુર છે. કોઈને કટુતા ન લાગે એવું નામ મધુર છે. આવા પાંચ 'મ' કાર વિશેષ કૃષ્ણમા છે. જડભરત રહો ગુણોને કહેતા, શિક્ષા દેતા કહે છે કે પાંચ 'મ' કારની વિશેષતા છે એનુ પદ ગ્રહણ કરવું એવી શિક્ષા તમને આપું છું આ પાંચ 'મ' કાર વિશેષથી ભરેલાની શરણાગતિ લેવી જોઈએ. આપણે પાંચ અપવર્ગ કે જેની અંદર પાપ નથી એવા પાંચ અપવર્ગ બાબત જણાવતા કહ્યું કે, ૫, ફ, બ, ભ, મ આ પાંચ સમજીએ. '૫'નો મતલબ છે પાપ પૂણ્ય નથી રહ્યું એવું. 'ફ'નો મતલબ છે. કોઈપણ પ્રકારનું કર્મ કરો તેનુ ફળ નથી મળતુ 'ભ'નો મતલબ છે ભય નહીં નિર્ભીકતા અને 'મ'નો મતલબ છે મૃત્યુ. બાપુએ જણાવ્યુ કે કોઈ સાધુની લવ માત્ર કૃપાથી પણ અપવર્ગ છૂટી જાય છે, દૂર થઈ જાય છે.

કથા પ્રવાહમાં આજે આગળ વધતા શિવ વિવાહ મહાદેવના વિવાહનું વર્ણન કર્યુ મહાદેવના ગણો શિવને સવારે છે, સજાવે છે. શરીર પર વિભૂતિ લગાડે છે. વિભૂતિનો અર્થ ભસ્મ પણ થાય અને ઐશ્વર્ય પણ થાય છે. શિવ જગતને બતાવે છે કે સમગ્ર ઐશ્વર્યને ભસ્મ કરી અને શરીર પર લગાવી દઉં. આ મારો મહાદેવ, મહાદેવની જાન હિમાચલમાં આવે છે. સાથે સાથે ભૂતપ્રેત આદિનું વર્ણન અને રસોઈનું વર્ણન તેમજ જ્યારે મહાદેવ આવે છે એ વખતે મહારાણી મેના શિવનું સ્વાગત કરવા માટે આવે છે શિવનો વેશ જોઈ ભ્રમિત થાય છે અને મૂર્છિત થઈ જાય છે અને મનથી નારદને ખૂબ જ કોસે છે કે મારી દીકરીને આવો વર આપનારને શું ખબર કે વર શું કહેવાય. અંતે મહાદેવ અને સતી પાર્વતીના વિવાહ થાય છે.

બીજી જાન્યુઆરીથી સેતુબંધ રામેશ્વરમાં ઓનલાઈન કથા

જામનગર-ભાવનગર, તા. ૨૬ :. પૂ. મોરારીબાપુના વ્યાસાસને તા. ૨ થી ૧૦ જાન્યુઆરી સુધી સવારે ૯.૩૦ થી ૧.૩૦ વાગ્યા સુધી સેતુબંધ - રામસેતુ, ધનુષકોક્ષ, રામેશ્વરમ, તામીલનાડુ ખાતે યોજાશે.

૮૫૩મી ઓનલાઈન કથાનુ જીવંત પ્રસારણ આસ્થા ચેનલ અને યુ-ટયુબ ઉપરથી કરવામાં આવશે.

(3:41 pm IST)