Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

કોરોના વાયરસ જલ્દી ખત્મ થવાનો નથી: એક દશક સુધી આપણી વચ્ચે રહેશે : બાયોએનટેક

બ્રિટનમાં કોરોનાનો જે નવો સ્ટ્રેન મળ્યો છે તેના માટે દોઢ મહિનામાં પણ રસી બની જશે

નવી દિલ્હી : બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળતા ફરી વખત દુનિયાભરમાં હડકંપ મચી ગયો છે. લોકોને એવું હતું કે હવે તો વેક્સિન આવી ગઇ છે એટલે કોરોના વાયરસનો અંત નજીક છે. પરંતુ હવે આ ધારણા ખોટી દેખાઇ રહી છે. આ બધા વચ્ચે કોરોના વેક્સિનનું નિર્માણ કરનાર કંપની બાયોએનટેકના સિઓ ઉગુર સાહિને જણાવ્યું છે કે કોરોના વાયરસ આટલો ઝડરી ખત્મ થવાનો નથી. તે આવનારા એક દશક સુધી આપણી વચ્ચે રહેશે.

 એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સની અંદર સાહિને એક સવાલના જવાબમાં આ વાત જણાવી છે. સાહિને ફરી વખત જીવન સામાન્ય ક્યારે થશે તેવો સવાલ પુછવામાં આવ્યો હતો.અત્રે  ઉલ્લેખનીય છે કે બાયોએનટેક અને ફાઇઝરે મળીને કોરોના વેક્સિન બનાવી છે. તે વેક્સિનના ઉપયોગની મંજૂરી અમેરિકા સહિત દુનિયાના અન્ય 45 કરતા પણ વધારે દેશોને મળી ગઈ છે. અમેરિકામાં તો આનો ઉપયોગ શરૂ પણ થઈ ગયો છે.

સાહિને આગળ કહ્યું કે લગભગ 6 અઠવાડિયાની અંદર બ્રિટનમાં કોરોનાનો જે નવો સ્ટ્રેન મળ્યો છે તેના માટે પણ રસી બની જશે. તેમણે ટેકનોલોજીનું ઉદાહરણ આપીને કહ્યું કે મેસેન્જર ટેકનોલોજીની વિશેષતા જ છે કે અમે સીધી વેક્સિનની એન્જિનયરીંગ શરુ કરી શકીએ છીએ, જે સંપૂર્ણ રીતે નવા વાયરસ સ્ટેનની કોપી બનાવી શકે છે. તેમણે આગળ કહ્યું કે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે બ્રિટનમાં આવેલો કોરોનાનો નવો સ્ટ્રેન વેક્સિનની ક્ષમતાને પ્રભાવિત કરશે નહીં.

(12:45 am IST)