Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

કોંગ્રેસ પ્રદેશ સંગઠનમાં સાફસુફી થવાના એંધાણ

મ્યુ.કોર્પો.ની ચૂંટણીમાં ધબડકો થતાં હાઇકમાન્ડ ચિંતિતઃ સતત ઘટે છે જનાધારઃ માંગ્યો રીપોર્ટ : પ્રદેશ સંગઠનની સમીક્ષા કરવા હાઇકમાન્ડનો નિર્ણયઃ દિલ્હી હાઇકમાન્ડને સૌથી વધુ ખુચ્યુ સુરતમાં 'આપ'નું પ્રદર્શન

નવી દિલ્હી, તા.૨૭: રાષ્ટ્રીય સ્તરેજ નહીં પણ કેટલાય રાજયોમાં રાજકીય આધાર સંકોચાવાના કારણે સખત પડકારોનો સામનો કરી રહેલ કોંગ્રેસ માટે ગુજરાત ચિંતાનું નવું કારણ બનવા લાગ્યું છે. સૂરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રભાવશાળી પ્રદર્શન દ્વારા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની રાજકીય એન્ટ્રીથી વધેલ ચિંતાનો જ એ સંકેત છે કે કોંગ્રેસે પ્રદેશ સંગઠનની સ્થિતિની સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો છે.

સુત્રો અનુસાર, સ્થાનિક ચૂંટણીઓમાં કોંગ્રેસના અત્યંત ખરાબ પ્રદર્શન બાબતે પક્ષના હાઇકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાસેથી તાત્કાલિક રીપોર્ટ માંગ્યો છે. એટલું જ નહીં રાજયના પ્રભારીને પણ આ અંગેનો રીપોર્ટ આપવા કહેવામાં આવ્યુ છે. પક્ષના નેતૃત્વને આ ચૂંટણી હારથી પણ વધારે તો સૂરતમાં આપનો દેખાવ વધારે પરેશાન કરી રહયો છે. વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખતા કોંગ્રેસ તેને પોતાના માટે નવા માથાની દુઃખાવાની શરૂઆત તરીકે જોઇ રહી છે.

ગુજરાતનું રાજકારણ અત્યાર સુધી બે પક્ષ પુરતું રહ્યું છે. કોંગ્રેસનું માનવું છે કે આપને જે પણ સમર્થન મળ્યું છે તે તેનો પોતાનો જનાધાર નથી પણ કોંગ્રેસમાંથી છટકેલા લોકોનો તેને નાનકડી જીત પણ કોંગ્રેસને ચિંતા કરાવે છે.

કોંગ્રેસની ચિંતાનું કારણ એ પણ છે કે ૨૦૧૭માં કોંગ્રેસ ભાજપને સત્તાથી બહાર કરવાના આરે હતી પણ છેલ્લે મોદીના પ્રચારે ભાજપને ઉગારી લીધો. ભાજપને ૧૦૦ બેઠક પણ મળી ન્હોતી અને કોંગ્રેસને ૮૦ બેઠકો મળી હતી પણ ૩ વર્ષની અંદર કોંગ્રેસ ફરી ખરાબ દોરમાં પહોંચી ગઇ તેથી હાઇકમાન્ડ ચિંતિત છે.

(11:25 am IST)