Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

પત્રકાર જમાલ ખાંશોગજીની હત્યા કેસ :સાઉદીના યુવરાજ સામે અમેરિકાએ શંકાની સોય તાણી : સાઉદીએ હેવાલ 'ખોટો અને અપમાનજનક' ગણાવ્યો

અમેરિકાના ગુપ્તચર વિભાગના એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે સાઉદી અરેબિયાના યુવરાજ સલમાન બિન મોહમ્મદે જ નિર્વાસનમાં રહી રહેલાં પત્રકાર જમાલ ખાશોગ્જીની હત્યા કરી દેવાની મંજૂરી આપી હતી.

સાઉદી અરેબિયાની સરકારે પત્રકાર જમાલ ખાશોગ્જીની હત્યાની મંજૂરી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ-બિન સલમાને આપી હોવાનો અમેરિકાનો ગુપ્તચર વિભાગનો અહેવાલ 'ખોટો અને અપમાનજનક' ગણાવી ફગાવી દીધો છે.

બાઇડન વહીવટીતંત્રએ શુક્રવારે ગુપ્ત રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે સાઉદી યુવરાજે આ યોજના પર પોતાની સહમતી આપી હતી જે હેઠળ અમેરિકામાં રહી રહેલાં પત્રકાર જમાલ ખાશોગ્જીને જીવિત પકડવાનો અથવા તેમની હત્યા કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

અમેરિકાએ પહેલી વખત ખાશોગ્જીની હત્યા માટે સીધી રીતે સાઉદી ક્રાઉન પ્રિન્સનું નામ લીધું છે, જોકે સાઉદી યુવરાજ આ વાતને નકારે છે કે તેમણે જમાલ ખાશોગ્જીની હત્યાના આદેશ આપ્યા ન હતા.

વર્ષ 2018માં સાઉદી પત્રકાર જમાલ ખાશોગ્જીની ઇસ્તંબુલ સ્થિત સાઉદી વાણિજ્ય દૂતાવાસની અંદર હત્યા કરી નાખવામાં આવી હતી ત્યારે તે કેટલાંક વ્યક્તિગત દસ્તાવેજ મેળવવા માટે વાણિજ્ય દૂતાવાસની અંદર ગયા હતા.

જમાલ ખાશોગ્જી સાઉદી સરકારના ટીકાકાર તરીકે ઓળખાય છે.

અમેરિકાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, "અમારું અનુમાન છે કે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ઇસ્તંબુલમાં એક ઑપરેશનની મંજૂરી આપી જેનો ઉદ્દેશ્ય સાઉદી પત્રકાર જમાલ ખાશોગ્જીને જીવિત પકડવાનો અથવા મારી નાખવાનો હતો."

વર્ષ 2018માં જ અમેરિકાના ગુપ્તચર વિભાગ સીઆઈએને સંપૂર્ણ વિશ્વાસ હતો કે સાઉદી ક્રાઉન પ્રિન્સે જ જમાલ ખાશોગ્જીની હત્યાના આદેશ આપ્યા હતા પરંતુ આ પહેલા આજ સુધી અમેરિકાના અધિકારીઓએ સાર્વજનિક રીતે ક્યારેય નહોતું કહ્યું કે ખાશોગ્જીની હત્યામાં પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સામેલ હતા.

એવું માનવામાં આવી રહ્યું છે કે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડન પોતાના પહેલાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરખામણીએ સાઉદી અરેબિયામાં માનવાધિકાર અને કાયદાઓના શાસન પ્રત્યે આકરી નીતિ અપનાવશે.

જોકે સાઉદી અરબ મધ્ય-પૂર્વમાં અમેરિકાનું એક જૂનું અને મહત્ત્વપૂર્ણ સહયોગી છે.

વ્હાઇટ હાઉસ અનુસાર ગુરુવારે બાઇડને સાઉદી અરબના બાદશાહ શાહ સલમાન સાથે ફોન પર વાત કરી હતી અને એ વાત પર જોર આપીને કહ્યું હતું કે અમેરિકા વિશ્વમાં માનવાધિકાર અને કાયદાના શાસનને કેટલું મહત્વ આપે છે.

સમાચાર એજન્સી રૉયટર્સે સૂત્રોને ટાંકીને લખ્યું છે કે બાઇડન વહીવટીતંત્ર સાઉદી અરબ પાસેથી હથિયારોના કરારને રદ્દ કરવા પર વિચાર કરી રહ્યું છે. હથિયારોના કરારે માનવ અધિકારની ચિંતાઓને વધારી હતી અને આ કારણ બાઇડન વહીવટીતંત્ર ભવિષ્યમાં હથિયારોના વેચાણને પોતાની સુરક્ષા માટે જરૂરી હથિયાર સુધી સીમિત રાખવા પર વિચાર કરી રહ્યું છે.

સાઉદી અરબે હાલ સુધી અધિકૃત રીતે એમ જ કહ્યું છે કે પત્રકાર ખાશોગ્જીની હત્યા સાઉદી અરબના એજન્ટોએ કરી દીધી પરંતુ તેમને માત્ર એટલું કહીને મોકલવામાં આવ્યા હતા કે તેમને ખાશોગ્જીનું અપહરણ કરીને સાઉદી અરબ લાવવાના હતા.

સાઉદીની એક અદાલતે આ કેસમાં પાંચ લોકોને પહેલાં જ ફાંસીની સજા સંભળાવી હતી પરંતુ ગત સપ્ટેમ્બર અદાલતે તેમની સજાને 20 વર્ષની કેદની સજામાં ફેરવી હતી.

2019માં યુએનના એક વિશેષ અધિકારી એગ્નેસ કૈલામાર્ડે સાઉદી સરકાર પર જાણીજોઈને પૂર્વ નિર્ધારિત યોજનાબદ્ધ રીતે ખાશોગ્જીની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો અને સાઉદી સરકારના કેસને ન્યાયની વિરુદ્ધ ગણાવ્યો હતો.

સાઉદી અરેબિયાએ શું કહ્યું?

પત્રકાર જમાલ ખાશોગ્જીની હત્યાની મંજૂરી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ-બિન સલમાને આપી હોવાના અમેરિકાનો ગુપ્તચર વિભાગના અહેવાલ બાબતે સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ''સાઉદીની સરકાર જમાલ ખાશોગ્જી કેસમાં અપમાનજનક અને ખોટું તારણ રજૂ કરનારો અમેરિકાનો અહેવાલ પૂર્ણ રીતે રદિયો આપે છે. અમે આ રિપોર્ટનો અસ્વીકાર કરીએ છીએ. અહેવાલમાં ખોટું તારણ કાઢવામાં આવ્યું છે.''

સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ''આ એક નકારાત્મક અને તકલાદી અહેવાલ છે. અમે આ મામલે અગાઉ જ કહી ચૂક્યા છીએ તે એ એક સંગીન અપરાધ હતો, જેમાં સાઉદી અરબના કાયદાઓ અને મૂલ્યોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. અમારી સરકારે આ મામલાની તપાસ માટે તમામ કડક પગલાં લીધા જેથી ન્યાય મળી શકે. આમાં સામેલ લોકોને દોષી ઠેરવવામાં આવ્યા અને અદાલતે એમને સજા પણ કરી. કોર્ટની સજાનું જમાલ ખાશોગ્જીના પરિવારે પણ સ્વાગત કર્યું હતું. આવો અપરાધ ફરી ન થાય એ માટે જે પણ જરૂરી પગલાં લેવાના હોય તે અમે લીધા છે.''

સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે કહ્યું ''જેનાંથી અમારા નેતૃત્વ, સંપ્રુભતા અને અમારી સ્વતંત્ર ન્યાયિક વ્યવસ્થામાં અવરોધ ઊભો થાય એવી તમામ કોશિશોને અમે રદ કરીએ છીએ. અમેરિકા અને સાઉદી અરબ વચ્ચેની ભાગીદારી છેલ્લા આઠ દાયકાથી ખૂબ મજબૂત રહી છે. આ ભાગીદારી પરસ્પર આદર અને હિતો પર આધારિત છે. અમે આ વિસ્તારમાં અને આખી દુનિયામાં શાંતિ-સ્થિરતા માટે કામ કરીએ છીએ.''

(12:09 am IST)