Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ચારધામ યાત્રા માટે લાખો શ્રદ્ધાળુઓએ રજિસ્‍ટ્રેશન કરાવ્‍યા

સીએમ પુષ્‍કર ધામીએ મેડિકલ સુવિધાઓ વિશે આપી માહિતી

દેહરાદુન,તા. ૨૭ : ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ પરિષદે  જણાવ્‍યું હતું કે આગામી ચારધામ યાત્રા માટે કુલ ૬.૩૪ લાખ યાત્રાળુઓએ નોંધણી કરાવી છે. ‘અત્‍યાર સુધીમાં, ચાર ધામ યાત્રા માટે ૬.૩૪ લાખથી વધુ ભક્‍તોએ નોંધણી કરાવી છે. આમાંથી ૨.૪૧ લાખ કેદારનાથ ધામ માટે અને ૨.૦૧ લાખ બદ્રીનાથ ધામ માટે, યમનોત્રી માટે ૯૫,૧૦૭ અને ગંગોત્રી ધામ માટે ૯૬,૪૪૯ નોંધણી કરવામાં આવી છે.'

આ પહેલા શનિવારે ઉત્તરાખંડના મુખ્‍યમંત્રી પુષ્‍કર સિંહ ધામીની હાજરીમાં ઘણા અધિકારીઓ સાથે બેઠક થઇ હતી. આ મીટિંગમાં ૫૦ હેલ્‍થ એટીએમ સ્‍થાપવા માટે એક એમઓયુ પર હસ્‍તાક્ષર કરવામાં આવ્‍યા હતા, જેમાં શ્રદ્ધાળુઓને ગઢવાલ ડિવિઝનના ઓળખાયેલા મેડિકલ યુનિટમાં મેડિકલ સેવાઓ મળશે.

મુખ્‍ય પ્રધાન ધામીએ જણાવ્‍યું હતું કે ચારધામ યાત્રા દરમિયાન યાત્રિકોને સ્‍વાસ્‍થ્‍ય સંબંધિત કોઈ સમસ્‍યાનો સામનો કરવો ન પડે તે માટે આરોગ્‍ય સુવિધાઓમાં સતત સુધારો કરવામાં આવી રહ્યો છે, જેમાં ભક્‍તોને ઘણી સુવિધા મળશે. ચાર ધામ યાત્રા રૂટ પર તબીબી સુવિધાઓને મજબૂત કરવાની દિશામાં આ એક સારું પગલું હશે.

હેલ્‍થ એટીએમ દર્દીનું વજન, ઊંચાઈ, બ્‍લડ પ્રેશર, બ્‍લડ સુગર, શરીરનું તાપમાન અને ઓક્‍સિજન સંતૃપ્તિ સ્‍તરની તપાસ કરી શકે છે. એમાં સ્‍વચાલિત આરોગ્‍ય તપાસ, ડોકટરો સાથે લાઇવ વિડિયો પરામર્શ, ત્‍વરિત આરોગ્‍ય અહેવાલો અને પ્રિસ્‍ક્રિપ્‍શન્‍સ અને દવાઓની તાત્‍કાલિક ડિલિવરી જેવી સવલતો છે.

(10:34 am IST)