Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2024

ગુજરાતમાં લોકસભાના ભાજપના ૨૭% ઉમેદવારો મુળ કોંગ્રેસના

ભાજપના જૂના જોગી ઘરે બેસશે, પક્ષપલટુઓનો વટ પડયો :૨૬માંથી ૭ બેઠકો પર ભાજપ નહીં પણ કોંગ્રેસ v/s કોંગ્રેસનો જંગ

નવી દિલ્‍હી,તા. ૨૭: ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ બેઠકો પર ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે. આ ૨૬ ઉમેદવારોમાંથી ભાજપના ૨૭ ટકા ઉમેદવારો મુળ કોંગ્રેસી કે પક્ષપલ્‍ટુ કે પછી એક યા બીજી રીતે કોંગ્રેસ પરિવાર સાથે નાતો રહ્યો છે. ભાજપમાં ૨૬માંથી ૭ ઉમેદવારોનો નાતો ભૂતકાળમાં કોંગ્રેસ પરિવાર સાથે રહ્યો છે. એક રીતે લોકસભાની સાત બેઠક ઉપર ભાજપ સામે કોંગ્રેસ નહિ પરંતુ કોંગ્રેસ સામે કોંગ્રેસ ચૂંટણી લડશે. બીજી તરફ પક્ષપલ્‍ટુઓનો દબદબો યથાવત રહ્યોછે. આ સાત ઉમેદવારોમાં શોભનાબહેન બારૈયા, ચંદુભાઇ શિહોરા, પ્રભુ વસાવા, દેવુસિંહ ચૌહાણ, ભરત ડાભી, વિનોદ ચાવડા અને પુનમ માડમ સામેલ છે.

સાબરકાંઠા બેઠક ઉપર ભાજપમાં શોભનાબેન બારૈયાની ટિકિટની લોટરી લાગી છે. આ ઉમેદવારના પતિ મહેન્‍દ્રસિંહ કોંગ્રેસ ધારાસભ્‍ય પદે રહી ચૂક્‍યા છે. વર્ષ ૨૦૧૨માં તેઓ પ્રાંતિજથી જીત્‍યા હતા એ પછી ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં હારનો સ્‍વાદ ચાખવો પડયો હતો. એ પછી ઓગસ્‍ટ ૨૦૨૨માં ઉમેદવારના પતિ મહેન્‍દ્રસિંહ બારૈયાએ ભાજપમાં પ્રવેશ મેળવ્‍યો હતો. એક રીતે મુળ કોંગ્રેસી પરિવારમાંથી ટિકિટ મળી છે. સુરેન્‍દ્રનગરમાં ચંદુભાઇ શિહોરાને પણ લોટરી જ લાગી છે. તેઓ એક સમયે તાલુકા કોંગ્રેસના પ્રમુખ પદે હતા. સાંસદ પ્રભુ વસાવાને બારડોલીમાંથી ફરી એક વાર રીપિટ કરાયા છે. વસાવા વર્ષ ૨૦૧૨માં કોંગ્રેસના ધારાસભ્‍ય પદે ચૂંટાયા હતા એ પછી ૨૦૧૪માં પક્ષપલ્‍ટો કરી ભાજપ ભેગા થયા હતા. ખેડા લોકસભા બેઠક પર દેવુંસિંહ ચૌહાણ ફરી રિપીટ થયા છે. તેઓ પણ એક સમયે કોંગ્રેસમાં સક્રિય હતા. પાટણમાં ભરતસિંહ ડાભી રીપિટ થયા છે. તેઓ એક સમયે કોંગ્રેસમાં હતા. કચ્‍છના વિનોદ ચાવડા પણ કોંગ્રેસ સાથે હતા.

(10:41 am IST)