Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2024

પૂરતાં પોકેટ મની મળતાં ન હોવાથી ટીનેજરે શૂટરોને ભાડે રાખીને પપ્‍પાની હત્‍યા કરાવી

ટીનેજરે ૧.૫૦ લાખ રૂપિયા એડ્‍વાન્‍સ આપ્‍યા હતા અને બાકીની રકમ હત્‍યા બાદ આપવાનો વાયદો કર્યો હતો

પ્રતાપગઢ,તા.૨૭: ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં ૫૦ વર્ષના મોહમ્‍મદ નઈમની હત્‍યાના કેસમાં પોલીસે તેના ૧૬ વર્ષના ટીનેજર પુત્રની અટક કરીને રિમાન્‍ડ-હોમમાં મોકલી દીધો છે. પપ્‍પા પૂરતાં પોકેટ મની આપતાં ન હોવાથી ટીનેજરે પપ્‍પાની હત્‍યા કરવા માટે ત્રણ શૂટર્સને સુપારી આપી હતી. ત્રણેય આરોપી ઝડપાઈ ગયા છે. ગુરુવારે મોહમ્‍મદ નઈમ પર બાઇક પર આવેલા ત્રણ શૂટરોએ ગોળીઓ છોડી હતી, જેમાં તેમનું મૃત્‍યુ થયું હતું. આ કેસમાં પોલીસે જયારે આરોપીઓ પીયૂષ પાલ, શુભમ સોની અને પ્રિયાંશુની ધરપકડ કરી ત્‍યારે તેઓએ જણાવ્‍યું હતું કે નઇમના ટીનેજર પુત્રે તેમને આ હત્‍યાને અંજામ આપવા કહ્યું હતું અને આ માટે ૬ લાખ રૂપિયામાં સોદો થયો હતો. ટીનેજરે ૧.૫૦ લાખ રૂપિયા એડ્‍વાન્‍સ આપ્‍યા હતા અને બાકીની રકમ હત્‍યા બાદ આપવાનો વાયદો કર્યો હતો. પોલીસે જયારે ટીનેજરને તાબામાં લીધો ત્‍યારે તેણે જણાવ્‍યું કે પપ્‍પા પૂરતાં પોકેટ મની નહીં આપતાં હોવાથી તેણે આ પગલું ભર્યું હતું. પોતાની જરૂરિયાતો માટે તે દુકાનમાંથી પૈસા કે ઘરમાંથી જવેલરી ચોરી લેતો હતો. ભૂતકાળમાં પણ તેણે પપ્‍પાની હત્‍યા કરવાનો પ્રયાસ કર્યો હતો પણ એમાં નિષ્‍ફળ રહ્યો હતો.

(10:39 am IST)