Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2024

સોનમ વાંગચુકે ૨૧ દિવસ બાદ જળવાયુ ઉપવાસ પૂર્ણ કર્યા

હજારોની સંખ્‍યામાં લોકો આંદોલન સ્‍થળે પહોંચ્‍યા અને માંગોના સમર્થનમાં ખુબ નારેબાજી કરી : હવે મહિલાઓ મોરચો સંભાળશે

લેહ,તા. ૨૭: પર્યાવરણવિદ સોનમ વાંગચુકે લેહમાં મંગળવારે પોતાના ૨૧ દિવસીય જળવાયુ અનશન પૂર્ણ કરી દીધું. નાની બાળકીઓના હાથે જયૂસ પીને તેમણે ઉપવાસ પૂર્ણ કર્યો. આ દરમિયાન હજારોની સંખ્‍યામાં લોકો આંદોલન સ્‍થળે પહોંચ્‍યા અને માંગોના સમર્થનમાં ખુબ નારેબાજી કરી.

સોનમ વાંગચુકે કહ્યું કે, હવે મહિલાઓ અનશન શરૂ કરશે અને ત્‍યારબાદ ફરીથી તેને અન્‍ય લોકોની સાથે આગળ વધારાશે. આ અનશન ત્‍યાં સુધી શરૂ રહેશે, જયાં સુધી તેમની માંગો પૂર્ણ નહીં કરવામાં આવે. લદ્દાખને છઠી અનુસૂચીમાં સામેલ કરવા અને રાજયનો દરજ્જો આપવા સહિતની અન્‍ય માંગોને લઈને આંદોલન ચાલી રહ્યું છે. આ શ્રેણીમાં વાંગચુકે ૨૧ દિવસનો ઉપવાસ રાખ્‍યો. છ માર્ચે શરૂ થયેલ અનશન ૨૬ માર્ચે પૂર્ણ થયું. આ દરમિયાન તેમને દેશભરથી લોકોનું સમર્થન મળ્‍યું.

ત્‍યારે, કારગિલમાં પણ કારગિલ ડેમોક્રેટિક એલાયન્‍સ તરફથી અનશન કરાઈ રહ્યું છે. ત્‍યાં પણ મોટી સંખ્‍યામાં લોકો અનશનમાં સામેલ થઈ રહ્યા છે. સોનમ વાંગચુક બાદ હવે લેહમાં બૌદ્ધ, મુસ્‍લિમ (શિયા, સુન્ની) અને ઈસાઈ સંગઠનોની મહિલા પ્રતિનિધિ અનશન શરૂ કરવા જઈ રહી છે.

બોલીવુડ અને સાઉથ ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીના દિગ્‍ગજ અભિનેતા પ્રકાશ રાજ પોતાના જન્‍મદિવસે કેન્‍દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના લેહમાં પહોંચ્‍યા. તેમણે અહીં પૂર્ણ રાજય સહિત અલગ અલગ માંગોને લઈને અનશન પર બેઠેલા વાંગચુક સહિતના આંદોલનકારીઓ સાથે મુલાકાત કરી હતી.

(10:42 am IST)