Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

રેલ્વે પર કોરોનાનો કહેર :કોરોનાકાળમાં કર્મચારીઓને આપવા રૂપિયા નથી

ગયા વર્ષે પેંશન ફંડમાં ૫૩ હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા ન હતા. જેના લીધે રેલ્વેનાં ફંડમાં અંદાજિત ૨૮ હજાર કરોડ રૂપિયાનું નેગેટિવ કલોજિંગ બેલેંસ હતુ

નવી દિલ્હી,તા.૨૭ : દેશમાં ચાલી રહેલી કોરોનાની મહામારી થી દેશનાં તમામ ઔદ્યોગિક ક્ષેત્ર પર વિપરીત અસર થઈ છે. એમાં એક ક્ષેત્ર રેલ્વે પરિવહન છે. કોરોના મહામારીનાં કારણે રેલ્વે સંચાલનને રોકવામાં આવ્યુ છે, જે દ્વારા રેલ્વેને આર્થિક રીતે નુકસાન ભોગવવું પડ્યુ છે. રેલ્વેની પરિસ્થિતિ એવી રીતે બગડી કે રેલ્વેનાં કર્મચારી ઓને રકમ ચૂકવવા માટે પણ રૂપિયા બચ્યા નથી. આ માટે રેલ્વે મંત્રાલયએ કેન્દ્રીય નાણા મંત્રાલયને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની વાત કીધી છે. એક રીપોર્ટ મુજબ રેલ્વે પાસે લગભગ ૧૩ લાખથી વધુ સ્ટાફ છે. જણાવી દઈએ કે રેલ્વે સરકારનાં નિયંત્રણ હેઠળ છે છતાં રીટાયર થયેલા કર્મચારીઓને પેંશન રેલ્વે પોતાના ફંડમાંથી આપી રહી છે.

કોરોના વાયરસ મહામારીનાં લીધે તમામ ટ્રેનોનું સંચાલન રદ્દ કરવામાં આવ્યુ હતુ. થોડાક સમય પહેલાં શ્રમિકોને પોતાના વતન મોકલવા માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી, પરંતુ તેનાથી રેલ્વેને કોઈ પણ પ્રકારને નફો થયો ન હતો. રેલ્વેનું માનવું છે કે લાંબા સમય સુધી આવી જ પરિસ્થિતિ રહેશે તો આગળ ચાલીને કર્મચારીઓને વેતન આપવામાં મુશ્કેલી થશે. એક અહેવાલ પ્રમાણે જાણવા મળ્યુ છે કે ગયા વર્ષે પેંશન ફંડમાં ૫૩ હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા ન હતા. જેના લીધે રેલ્વેનાં ફંડમાં અંદાજિત ૨૮ હજાર કરોડ રૂપિયાનું નેગેટિવ કલોજિંગ બેલેંસ હતુ.

કોરોનાકાળમાં પશ્ચિમ બંગાલમાં ફરીથી લોકડાઉનને ધ્યાનમાં રાખીને ઘણા સ્પેશિયલ ટ્રેનોનાં સંચાલન પર રોક લગાવવામાં આવી છે. રેલ્વેનાં જણાવ્યા મુજબ, પશ્ચિમ બંગાલમાં કોરોનાનાં વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને લોકડાઉન જાહેર કર્યા બાદ સ્પેશિયલ ટ્રેનોને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

(11:33 am IST)