Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ઉત્તર અને દક્ષિણ કોરીયા વચ્ચે શરૂ થઇ હોટલાઇન સેવા

ઉત્તર કોરીયાએ એક વર્ષથી એક તરફી બંધ કરી હતી સેવા

સીઓલ,તા. ૨૭ : દક્ષિણ અને ઉત્તર કોરીયા વચ્ચે ફરીથી એક વાર હોટલાઇન ચાલુ કરી દેવાઇ છે. આ હોટલાઇનને ગયા વર્ષે ઉત્તર કોરીયાએ એક તરફી રીતે બંધ કરી દીધી હતી. હવે દક્ષિણ કોરીયાના રાષ્ટ્રપતિ નિવાસ બ્લુ હાઉસમાંથી અપાયલી માહિતીમાં કહેવાયુ છે કે બન્ને દેશો ફરી એક વાર સંબંધો મજબૂત કરવા રાજી થઇ ગયા છે.

બન્ને દેશોના નેતાઓના આ અંગે આવેલા બયાન પર યુનિવર્સિટી ઓફ નોર્થ કોરીયન સ્ટડીઝના પ્રોફેસર યાંગ મૂજી ને કહ્યુ કે આ બે કોરીયન દેશો વચ્ચે સંબંધ સુધારવાની દિશામાં લેવાયેલ પગલુ છે. તેમણે આશા વ્યકત કરી કે આની સકારાત્મક અસર પણ જોવા મળશે. તેમણે એ પણ કહ્યુ કે આ હોટલાઇન ફરી શરૂ થયા પછી બન્ને દેશો વચ્ચે ઇમર્જન્સીના સમયે એલર્ટ મેસેજ મોકલી શકાશે. જેમ કે આ શરૂ થયા પછી પુર અને તોફાનની ચેતવણી તાત્કાલીક આપવાનું સરળ બનશે. તે ઉપરાંત કોરોના મહામારી અંગેની માહિતીઓ અને સરહદ અંગેના અન્ય મુદ્દાઓ સુધારવામાં પણ મદદ મળશે.

તેમણે એમ પણ કહ્યુ કે બન્ને દેશો વચ્ચે સુધરતા સંબંધોની અસર ઉત્તર કોરીયા અને અમેરિકાના સંબંધો પર પણ જરૂર થશે બની શકે કે આગામી સમયમાં ઉતર કોરીયાના પરમાણુ કાર્યક્રમ પર વાતચીત થઇ શકે.

(3:43 pm IST)