Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

ધરપકડ - દરોડા - સમન્‍સ સહિત EDના બધા અધિકારો યોગ્‍ય

સુપ્રિમ કોર્ટનો ફેંસલો : PMLA એકટમાં EDને અપાયેલા બધા અધિકારો વ્‍યાજબી છે : પીએમએલએ એકટ અને ઇડીના અધિકારો વિરૂધ્‍ધની અરજી કોર્ટે ફગાવી : ધરપકડ માટે કારણ પણ બતાવવાની જરૂર નથી : EDને અપાયેલા બધા અધિકારોને યથાવત રાખ્‍યા

નવી દિલ્‍હી તા. ૨૭ : એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ અને પ્રિવેન્‍શન ઓફ મની લોન્‍ડરિંગ એક્‍ટને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્‍યો છે. કોર્ટે કહ્યું છે કે ED પાસે ધરપકડ કરવાનો અધિકાર છે. કોર્ટે કહ્યું કે મની લોન્‍ડરિંગ એક સ્‍વતંત્ર ગુનો હોવાથી મની લોન્‍ડરિંગ એક્‍ટમાં કોઈ ખામી નથી. સુપ્રીમ કોર્ટે આ આદેશ ED અને PMLAને લગતી ૨૪૦ અરજીઓની સુનાવણી દરમિયાન આપ્‍યો હતો. કોર્ટે કહ્યું કે ૨૦૧૮માં મની લોન્‍ડરિંગ એક્‍ટમાં કરવામાં આવેલા ફેરફારો યોગ્‍ય છે. એટલું જ નહીં, કોર્ટે કહ્યું કે એજન્‍સી વતી ધરપકડ કરવામાં અને આરોપીઓની પૂછપરછ કરવામાં કંઈ ખોટું નથી.

અરજીકર્તાઓની અન્‍ય એક માંગ પર કોર્ટે કહ્યું કે જો EDએ ફરિયાદ દાખલ કરી છે તો તેની નકલ આરોપીઓને આપવાની જરૂર નથી. આ સિવાય સીબીઆઈ કે અન્‍ય કોઈ એજન્‍સી દ્વારા બંધ કરાયેલા કેસની પણ ઈડી પોતાના હાથમાં લઈને તપાસ કરી શકે છે. આ સિવાય કોર્ટે પ્રિવેન્‍શન ઓફ મની લોન્‍ડરિંગ એક્‍ટમાં મની બિલ હેઠળ ફેરફાર કરવાના પ્રશ્નને ૭ જજોની બેંચ સમક્ષ મોકલવાનો નિર્ણય કર્યો છે. દાખલ કરવામાં આવેલી અરજીઓમાં ED દ્વારા દરોડા પાડવા, અધિકારીઓની ધરપકડ કરવા, સંપત્તિ જપ્ત કરવા અને જામીનની મુશ્‍કેલ શરતોને ધ્‍યાનમાં લેવાની અપીલ કરવામાં આવી હતી.

જસ્‍ટિસ એએમ ખાનવિલકરની અધ્‍યક્ષતાવાળી બેન્‍ચે કહ્યું કે EDની ધરપકડ મનસ્‍વી નથી. કોર્ટે ED દ્વારા મિલકતની જપ્તી યોગ્‍ય ઠેરવી અને કહ્યું કે જે લોકો ખોટા કામ કરીને પૈસા કમાય છે તેઓ તેનો ઉપયોગ કરી શકતા નથી. આથી આવી સત્તા ED પાસે છે. જામીનની બે કડક શરતો પણ સુપ્રીમ કોર્ટે યથાવત રાખી છે. મની લોન્‍ડરિંગ એક્‍ટ હેઠળ આરોપીને બે શરતો પર જ જામીન મળે છે. આ એવી શરતો છે કે કેસમાં દોષિત ન હોવાના સમર્થનમાં કેટલાક પુરાવા હોવા જોઈએ અને એવી માન્‍યતા છે કે આરોપી છૂટ્‍યા પછી અન્‍ય કોઈ ગુનો નહીં કરે.

ઈડી દ્વારા દાખલ કરવામાં આવનાર એન્‍ફોર્સમેન્‍ટ કેસ ઈન્‍ફોર્મેશન રિપોર્ટ અંગે પણ કોર્ટે મહત્‍વનો નિર્ણય આપ્‍યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ EDના આંતરિક દસ્‍તાવેજ છે અને તેને આરોપીઓને આપવાની જરૂર નથી. કોર્ટે કહ્યું કે પ્રારંભિક તબક્કામાં, ED માટે આરોપીઓને ધરપકડના કારણો જણાવવા માટે તે પૂરતું હશે. કોંગ્રેસના નેતા કાર્તિ ચિદમ્‍બરમ સહિત અનેક લોકોએ દાખલ કરેલી અરજીમાં EDની સત્તા અને PMLAમાં થયેલા ફેરફારોને પડકારતાં કહ્યું કે તેમના દ્વારા બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આના પર કેન્‍દ્ર સરકારે જવાબ આપ્‍યો હતો કે ભારત આંતરરાષ્ટ્રીય સ્‍તરે જે કરારોનો ભાગ છે તે અંતર્ગત આ કાર્યવાહી જરૂરી છે જેથી મની લોન્‍ડરિંગ પર કાર્યવાહી કરી શકાય.

(3:26 pm IST)