Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

અમેરિકામાં મૂળ ગુજરાતી પોતાના જ સંતાનના અપહરણના કેસમાં દોષિત

મૂળ વડોદરાનો અમિતકુમાર અમેરિકામાં જન્‍મેલા તેના સંતાનને ભારત લઈ ગયો હતો અને અમેરિકામાં રહેતી આ સંતાનની માતાને તે સોંપ્‍યુ નહોતુ

ન્‍યુયોર્ક, તા.૨૭: અમેરિકામાં રહેતા ૩૮ વર્ષના ગુજરાતીને ઇન્‍ટરનૅશનલ પેરન્‍ટલ કિડનૅપિંગના આરોપસર દોષિત જાહેર કરવામાં આવ્‍યો હતો. તે અમિરકામાં જન્‍મેલા તેના સંતાનને ભારત લઈ ગયો હતો અને અમેરિકામાં રહેતી આ સંતાનની માતાને તે સોંપ્‍યું નહોતું.

ઇન્‍ટરનૅશનલ પેરન્‍ટલ કિડનૅપિંગ એટલે કે બાળકને માતા કે પિતા કે વાલીની કસ્‍ટડીના અધિકારનો ભંગ કરીને તેના રોજિંદા રહેઠાણથી દેશની બહાર લઈ જવું.

મૂળ વડોદરાનો અમિતકુમાર કનુભાઈ પટેલ એડિસન, ન્‍યુજર્સીમાં રહેતો હતો. તેને ન્‍યુ જર્સીમાં કેમડેન ફેડરલ કોર્ટમાં અમેરિકન ડિસ્‍ટ્રિક્‍ટ જજ રિની મૅરી બુમ્‍બ દ્વારા પાંચ દિવસની સુનાવણી બાદ ગયા અઠવાડિયામાં દોષિત જાહેર કરવામાં આવ્‍યો હતો.

હવે અમિતકુમારને ઇન્‍ટરનૅશનલ પેરન્‍ટલ કિડનૅપિંગના આરોપસર મૅક્‍સિમમ ત્રણ વર્ષની જેલની સજા અને મૅક્‍સિમમ ૨૫,૦૦,૦૦ અમેરિકન ડૉલર (૧.૯૯ કરોડ રૂપિયા)નો દંડ થઈ શકે છે. આ વર્ષે નવેમ્‍બરમાં તેની સજા જાહેર કરવામાં આવશે.

અમેરિકન ઍટર્ની ફિલિપ આર. સેલિન્‍ગરે કહ્યું હતું કે ‘અમિતકુમાર અમેરિકન નાગરિક છે જે આ પહેલાં ભારતમાં રહેતો હતો. તેને સંતાનનું અપહરણ કરીને તેની માતાના અધિકારોમાં બાધક બનવા બદલ દોષિત જાહેર કરવામાં આવ્‍યો છે. તેને આદેશ આપવામાં આવ્‍યો હોવા છતાં તે તેના સંતાનને અમેરિકામાં પાછું લાવવામાં નિષ્‍ફળ રહ્યો હતો.'

આ કેસમાં ફાઇલ કરવામાં આવેલા દસ્‍તાવેજો અને પુરાવા અનુસાર આ બાળકની માતા અને પટેલ ન્‍યુ જર્સીમાં ઓગસ્‍ટ ૨૦૧૫થી જુલાઈ ૨૦૧૭ દરમ્‍યાન સાથે રહેતાં હતાં અને રિલેશનશિપમાં હતાં. તેમણે બન્નેએ કયારેય મૅરેજ કર્યાં નથી. નવેમ્‍બર ૨૦૧૬માં તેઓ પેરન્‍ટ્‍સ બન્‍યાં હતાં.પટેલ સંતાનને લઈને જુલાઈ ૨૦૧૭માં ભારતમાં આવ્‍યો. એ પછી તેણે આ સંતાનની માતાને કહ્યું કે તે સંતાનને પાછું લઈને કયારેય અમેરિકા નહીં આવે. આખરે માતાએ અદાલતમાં કેસ કર્યો.

ઑક્‍ટોબર ૨૦૨૦માં પટેલ તેના સંતાનની સાથે ભારતથી બ્રિટન જવા ઊપડ્‍યો હતો. અમેરિકાની વિનંતીના પગલે પહોંચતાની સાથે જ તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં સપ્‍ટેમ્‍બર ૨૦૨૧માં પટેલને ઇંગ્‍લૅન્‍ડથી અમેરિકાને સોંપવામાં આવ્‍યો હતો.

(3:48 pm IST)