Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં મોટો ધડાકો ! : અર્પિતા મુખર્જીએ EDની પૂછપરછમાં કર્યા અનેક ચોકાવનારા ખુલાસા

મારા ઘરનો ઉપયોગ ‘મિની બેંક’ તરીકે થતો હતો, પાર્થ ચેટર્જી દર 10 દિવસે તેના ઘરે આવતો : અર્પિતા મુખર્જી

નવી દિલ્લી તા.27 : પશ્ચિમ બંગાળમાં ધરપકડ કરાયેલા મંત્રી પાર્થ ચેટર્જીની નજીકની મિત્ર અર્પિતા મુખર્જીના ફ્લેટમાંથી કરોડો રૂપિયાની રોકડ મળી આવી છે. પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં તેમની ધરપકડ કરાઇ છે. ઇડીની પૂછપરછ દરમિયાન અર્પિતા મુખર્જીએ ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. તેને કહ્યું છે કે આ તમામ પૈસા પેક કરીને એક રૂમમાં રાખવામાં આવ્યાં હતા. આ રૂમની અંદર માત્ર પાર્થ ચેટર્જી અને તેમના લોકો જ આવતા હતા. પાર્થ મારું ઘર અને અન્ય એક મહિલાના ઘરનો ઉપયોગ મિની બેંક તરીકે કરતા હતા.

કોલકાતામાં અર્પિતા મુખર્જીના ઘરે દરોડા દરમિયાન EDએ બે ડાયરીઓ જપ્ત કરી છે. આ ડાયરીની શોધ બાદ એવી અટકળોએ જોર પકડ્યું છે કે બંગાળમાં એક મોટું કૌભાંડ થયું છે અને આ કૌભાંડમાંથી મળેલું કાળું નાણું ઉડિયા ફિલ્મોના નિર્માણમાં રોકવામાં આવતું હતું. મુખર્જીના ઘરેથી બે ડાયરીઓ મળી આવી છે. આ ડાયરીઓ કથિત કૌભાંડની ચાવી હોવાનું માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડાયરીમાં રાજનેતાઓ, ફિલ્મ નિર્દેશકો અને નિર્માતાઓ સહિત અનેક હાઈ-પ્રોફાઈલ નામો છે.
 

અર્પિતા 2008 થી 2014 સુધી બંગાળી અને ઉડિયા ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય હતી. તેમણે આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછી 6 ઓડિયા ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. આનાથી એવી અટકળો શરૂ થઈ છે કે તે ઓડિયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા દિગ્દર્શકો, નિર્માતાઓ અને પ્રોડક્શન હાઉસ સાથે સંબંધ ધરાવે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અર્પિતાએ ઉડિયા ફિલ્મો પણ પ્રોડ્યુસ કરી છે, જો કે હજુ સુધી આના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.

હવે અર્પિતા મુખર્જી પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે કે તેની પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા. તેણે જે ફિલ્મો કરી તે સ્ક્રીન પર કંઈ ખાસ દેખાડી શકી નહીં. આ પછી પણ તેની પાસે એટલા પૈસા છે કે તેની પાસે દક્ષિણ કોલકાતાના જોકા વિસ્તારમાં એક આલીશાન એપાર્ટમેન્ટ છે. જો કે આ તમામ સવાલોના જવાબ અને તે ડાયરીઓમાં શું છે તે EDની પૂછપરછ બાદ જ જાણવા મળશે. તમને જણાવી દઈએ કે EDએ અર્પિતા મુખર્જીના ઘરેથી 21 કરોડથી વધુની જ્વેલરી રિકવર કરી હતી.

(8:40 pm IST)