Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

અમેરિકામાં ઇનસાઇડર ટ્રેડિંગની બે ઘટનાઓ નોંધાઈ : ગુજરાતી સહિત અનેક ભારતીયોને દોષિત ઠેરવાયા

દોષીતો પર ગેરકાયદે ૫૦ લાખ ડોલર કમાવવાનો આરોપ : ન્યૂયોર્કના દક્ષિણ જિલ્લાની યુએસ એટર્ની ઓફિસ દ્વારા પણ ક્રિમિનલ ચાર્જિસ મૂકવામાં આવ્યા

નવી દિલ્લી તા.27 : અમેરિકામાં ઇનસાઇડર ટ્રેડિંગની બે અલગ અલગ ઘટનાઓ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં એક ગુજરાતી સહિત અનેક ભારતીય મૂળનાં લોકોને ઇન્સાઇડર ટ્રેડિંગના આરોપ બદલ દોષિત ઠેરવવવામાં આવ્યા છે. અને તેમના પર ૫૦ લાખ ડોલર ગેરકાયદે કમાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

લુમેનટમ હોલ્ડિંગ્સના ચીફ ઇન્ફરમેશન સિક્યુરિટી ઓફિસર ૪૯ વર્ષીય અમિત ભારદ્વાજ, તેમના મિત્રો ૫૦ વર્ષીય ધિરેનકુમાર પટેલ, ૪૭ વર્ષીય શ્રિનિવાસ કાકકેરા, ૪૭ વર્ષીય અબ્બાસ સઇદી, ૪૫ વર્ષીય રમેશ ચિતોરને સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશને દોષિત ઠેરવ્યા છે.

SECએ આરોપ મૂક્યો છે કે, કેલિફોર્નિયમાં વસતા આ તમામ લોકોએ બે કંપનીઓના અધિગ્રહણ અગાઉ ટ્રેડિંગ કર્યુ હતું અને ૫૨ લાખ ડોલરનો ગેરકાયદે ટ્રેડિંગ કર્યુ હતું.

અન્ય એક કાર્યવાહીમાં એસઇસીએ ૩૭ વર્ષીય ઇન્વેસ્ટમેન્ટ બેંકર બ્રિજેશ ગોએલ અને તેમના મિત્ર ૩૩ વર્ષીય અક્ષય નિરંજન ઉપર પણ ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ મૂક્યો છે. આ બંને ન્યૂયોર્કના રહેવાસી છે. નિરંજન એક મોટી નાણાકીય સંસ્થામાં ફોરેન એક્સચેન્જ ટ્રેડર હતો.

એસઇસીએ આરોપ મૂક્યો છે કે બે વ્યકિતઓ કે જે એક બિઝનેસ સ્કૂલના ગાઠ મિત્રોએ ૨૦૧૭માં કંપનીઓનાઅધિગ્રહણની ચાર જાહેરાત અગાઉ કરેલા ગેરકાયદે ટ્રેડિંગમાં ૨,૭૫,૦૦૦ કમાવ્યા હતાં. ગોએલને આ માહિતી તેમની કંપની પાસેથી મળી હતી.

ફરિયાદમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે નિરંજને ટાર્ગેટ કંપનીઓના કોલ ઓપ્શન ખરીદ્યા હતાં. મેનહેટનની ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એસઇસી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ન્યૂયોર્કના દક્ષિણ જિલ્લાની યુએસ એટર્ની ઓફિસ દ્વારા પણ ક્રિમિનલ ચાર્જિસ મૂકવામાં આવ્યા છે. SECના એન્ફોર્સમેન્ટ ડિવિઝનના ડાયરેક્ટર ગુરબિર એસ ગ્રેવાલે જણાવ્યું છે કે આવી જ રીતે જો ઇન્સાઇડ ટ્રેડિંગ ચાલુ રહેશે તો રોકાણકાર તેમની પરસેવાની મૂડી બજારમાં રોકશે નહીં.

(8:41 pm IST)