Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

સરકારી બાંધકામના કોન્ટ્રાકટરો માંગે છે ૪૦ ટકા ભાવ વધારો

કાચા માલના ભાવવધારા મુજબ વધારો નહીં ચૂકવાય તો સંગઠન નવાં ટેન્ડર નહીં ભરે

રાજકોટ,તા. ૨૭: 'સિમેન્ટ, સ્ટીલ, ડામર, રેતી, કપચી અને ઇંટ મોંદ્યા થવા ઉપરાંત કારીગરોએ મજૂરી દરમાં પણ વધારો કરી નાંખતા સરકારી કોન્ટ્રાકટરોએ ૩૦થી ૪૦ ટકા ભાવ વધારો આપવાની માગ કરી છે. જો સરકાર પંદર દિવસમાં કોઇ નિરાકરણ ન લાવે તો જાહેર બાંધકામના નવા ટેન્ડરો ભરવાનું બંધ કરવામાં આવશે અને ટેન્ડર ભરવાની ડિજિટલ કી પણ જિલ્લા પ્રમુખોને સોંપી દેવા અલ્ટીમેટમ અપાયું છે.'

ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિયેશને કહ્યું છે કે, કાચા માલના ભાવમાં ૩૦થી ૪૦ ટકા જેટલો વધારો થઈ ગયો છે. તે અત્યારે કોન્ટ્રાકટરોએ ભોગવવો પડી રહ્યો છે. કોન્ટ્રાકટરોના માર્જિન સાવ ઘસાઈ ગયા છે. એ કારણે અમે રાજય સરકારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. સંગઠનના ચેરમેન અરવિંદ પટેલે કહ્યું કે, આ મુદ્દે અમે ગુજરાતના ૨૦૦ જેટલા સભ્યની બેઠક બોલાવીને ગહન ચર્ચા કરી હતી. એ પછી સરકાર પાસે ૩૦થી ૪૦ ટકા સુધીનો ભાવવધારો માગ્યો છે. રાજય સરકાર તથા મહાનગર પાલિકામાં અમે કામગીરી કરતા હોઈએ છીએ. બાંધકામમાં વપરાતા મટિરિયલમાં કૂદકેને ભૂસકે વધી રહેલા ભાવથી કોન્ટ્રાકટરો થાકી ગયા છે. કામકાજ કરવાનું પરવડે તેવું નથી.'

પ્રવર્તમાન સમયે સ્ટીલ, સિમેન્ટ, રેતી, ડામર, કપચી અને ઇંટ બધાના ભાવ ખાસ્સા વધેલા છે. સરકાર દ્વારા આરબીઆઇના ઇન્ડેકસને આધારે ભાવવધારો ચૂકવવામાં આવે છે પરંતુ તે માર્કેટમાં ચાલી રહેલા ભાવ કરતા ઘણો ઓછો હોય છે એટલે પોસાય તેવો હોતો નથી. ઘણા કોન્ટ્રાકટરો એટલે જ સરકારી કામથી અળગા થઈ રહ્યા છે. સરકારે આરબીઆઇ ઇન્ડેકસ પ્રમાણે નહીં પરંતુ બજારભાવ પ્રમાણે વધારો ચૂકવવો જોઈએ. જો સરકાર એમ ન કરી શકે તો કોન્ટ્રાકટરની સામે કોઇ પગલાં લીધાં વિના કામકાજમાંથી મુકત કરે તેવી માગણી થઈ છે.'

(9:36 am IST)