Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

જીવનના મુખ્‍ય ર લક્ષણ ધૈર્ય અને શૌર્યઃ પૂ. મોરારીબાપુ

લક્ષ્યદિપમાં આયોજીત ‘માનસ સાગર' શ્રીરામ કથાનો સાતમો દિવસ

રાજકોટ, તા., ૨૮: જીવનમાં મુખ્‍ય ર લક્ષણ ધૈર્ય અને શૌર્ય જરૂરી છે. જીવનમાં ગમે તેવી પરિસ્‍થિતિમાં ધૈર્ય રાખવાથી સફળતા મળે છે. જયારે અમુક સમયે શૌર્ય પણ બતાવવુ જોઇએ તેમ પૂ. મોરારીબાપુએ લક્ષ્યદીપ ખાતે આયોજીત ‘માનસ સાગર' શ્રી રામકથાના સાતમા દિવસે કહયું હતું.
ગઇકાલે શ્રીરામ કથાનાં છઠ્ઠા દિવસે પૂ. મોરારીબાપુએ કહયું હતું કે, કૃપા આંખ છે અને કરૂણા આંસુ છે. આંખને આકાર છે, કરૂણા નિરાકાર છે. આંખ જેવી છે એવી જ રહેશે. આથી જ કહેવાય છે કૃપાદ્રષ્‍ટિ. કોઇના આંસુ જાણી જવા એ સત્‍ય છે. નકલી આંસુ પણ હોઇ શકે અને આંસુઓની ઓળખ જ્ઞાનવાન કરી શકે છે. આંસુ લુછવા એ પ્રેમ છે અને આંસુ આવે જ નહી એવી દયા કરવી એ કરૂણા છે. કૃપાપાત્ર બનવા માટે કંઇક કરવુ પડે છે કરૂણાપાત્ર બનવા માટે કશુ જ કરવુ પડતુ નથી. માત્ર ખાલી થવુ પડે છે.
પૂ.મોરારીબાપુએ જણાવ્‍યું કે શા માટે આ અવતારો છે? કારણ કે શત્રુ નહી શત્રુતાનો નાશ, રાવણ નહી રાવણત્‍વ અને કૌરવ નહી કૌરવત્‍વનો નાશ કરવો હતો. આથી જ આ યુધ્‍ધ કથાઓ છે.
પૂ.મોરારીબાપુએ વધુમાં જણાવ્‍યું કે કરૂણા અને કૃપા વચ્‍ચે ભેદ પણ છે. થોડુક અંતર છે. કૃપાની માંગણી કરી શકાય. કૃપા કયારેક કયારેક યાચનાનું રૂપ લે છે. કરૂણા વગર માગ્‍યે અપાય છે. કૃપા ઘન છે, કરૂણા હંમેશા પ્રવાહી છે. કૃપા કરાતી હોય છે અને કરૂણા વહેતી હોય છે. જો કૃપા સાબુ હોય તો કરૂણા પાણી છે. કૃપા કરનાર પણ કયારેક ઘન છે અને કરૂણા પોતાનો અહંકાર પણ ઓગાળી દે છે. કૃપા કયારેક સીમીત રહી જાય છે. કરૂણા વહેતી રહે છે. કરૂણા પગ વગર ચાલે છે. કૃપાને કારણે કથામાં આવી શકાય છે અને કરૂણાથી કથા સાંભળી શકાય છે.

 

(3:02 pm IST)