Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ રૂદ્રપ્રયાગ પહોંચ્યા મુખ્ય બજારમાં જનસંપર્ક અને ડોર ટુ ડોર પ્રચાર કર્યો

ગૃહમંત્રી સૌપ્રથમ રૂદ્રનાથ મંદિર પહોંચ્યા અને પૂજા કરી આશીર્વાદ લીધા:કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવત પર પણ જોરદાર નિશાન સાધ્યું

ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી 2022 માટે ભાજપે સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. આ દરમ્યાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ચૂંટણી પ્રચાર માટે બાબા રુદ્રનાથના શહેર રુદ્રપ્રયાગ પહોંચ્યા છે. આ દરમિયાન શાહે ભાજપ સરકારની ઉપલબ્ધિઓ ગણાવી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. ગુલાબબાઈ મેદાન ખાતે હેલિપેડ પર ઉતર્યા બાદ ગૃહમંત્રી સૌપ્રથમ રૂદ્રનાથ મંદિર પહોંચ્યા હતા અને અહીં પૂજા કરી આશીર્વાદ લીધા હતા. આ સાથે જ શાહે કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવત પર પણ જોરદાર નિશાન સાધ્યું હતું.

શાહે રુદ્રપ્રયાગ મુખ્ય બજારમાં જનસંપર્ક અને ડોર ટુ ડોર પ્રચાર કરીને ભાજપના ઉમેદવાર ભરત ચૌધરી માટે મત માંગ્યા હતા. શાહે રુદ્રપ્રયાગમાં મહિલાઓ, અનુસૂચિત જાતિના લોકો અને 6 વિધાનસભા કાર્યકરોને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કર્યા હતા

અમિતભાઈ  શાહે કહ્યું કે કોંગ્રેસે ક્યારેય ઉત્તરાખંડ રાજ્યની સ્થાપનાનું સમર્થન કર્યું નથી. રાજ્યના નિર્માણનું કાર્ય અટલ બિહારી વાજપેયીએ કર્યું હતું. હવે રાજ્યને સંભાળવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી કરી રહ્યા છે. ગૃહમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ સરકારોને ‘ફેલ સરકાર’ ઉપનામ આપવામાં આવે છે, જ્યારે ભાજપ સરકારોને ‘ડબલ એન્જિન’ સરકારનું ઉપનામ આપવામાં આવે છે.

કાર્યક્રમ બાદ ગૃહમંત્રી અમિતભાઈ  શાહે પૂર્વ સૈનિકો સાથે વાતચીત કરી હતી. પૂર્વ સૈનિકો સાથે સંબોધનની શરૂઆત કરતા શાહે કહ્યું કે ભાજપ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા સેના  અને સેનાના જવાનો છે. પીએમ મોદીએ આ વાતને ભાષણોમાં નહીં, પરંતુ સરકારની યોજનાઓમાં મૂર્તિમંત કરી છે. તેઓ આજે ભાજપ વતી પૂર્વ સૈનિકો અને ઉત્તરાખંડના રહેવાસીઓનો આભાર માનવા માટે અહીં આવ્યા છે કે તમે જે તત્પરતા અને બહાદુરીથી દેશની રક્ષા કરી છે તેના કારણે આજે આપણા દેશની સરહદો સુરક્ષિત છે

(8:35 pm IST)